Face OF Nation:અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર વિવાદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા કહ્યું છે. ભારત તરફથી ટ્રમ્પના આ દાવાને નકારી દેવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ આ મુદ્દે વડાપ્રધાન પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પણ આ વિશે પ્રહાર કરતા કહ્યું છે કે, કદાચ વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને યોગ માટે મેડિટેટ (ધ્યાન) કરવા કહ્યું હશે પરંતુ ટ્રમ્પે તેને મીડિએટ (મધ્યસ્થતા) એવું સાંભળ્યું હશે.
ખુર્શીદે ગુરુવારે મુંબઈમાં તેમના પુસ્તક ‘વિઝિબલ મુસ્લિમ, ઈનવિઝિબલ સિટીઝન: અંડરસ્ટેન્ડિંગ ઈસ્લામ ઈન ઈન્ડિયન ડેમોક્રેસી’ના લોન્ચિંગ સમયે આ નિવદેન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સંવાદની સમસ્યા લાગી રહી છે. પરંતુ રાજકારણ સંવાદ પર આધારિત હોય છે. તેથી જો તમે યોગ્ય રીતે સંવાદ ન કરી શતો તો તમે કોઈપણ પ્રકારની રાજનીતિ ન કરી શકો.ટ્રમ્પે સોમવારે ઈમરાન ખાનની સાથેની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, મોદી બે સપ્તાહ પહેલાં તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી. આ વિશે ઈમરાને પ્રતીક્રિયા આપતા કહ્યું હતું કે, જો તમે આવું કરી શકશો તો અબજો લોકો તમને દુવા આપશે.ભારતીય વિદેશ મંત્રાલયે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સના એક કલાક પછી જ ટ્રમ્પના દાવાને નકારી દીધો હતો. મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. ભારત તેના નિર્ણયમાં અડગ છે. પાકિસ્તાન સાથે દરેક મુદ્દાનો દ્વીપક્ષીય વાતચીતથી જ ઉકેલ લાવવામાં આવશે.