Home Uncategorized જેના પાસપોર્ટ અમેરિકી સરકાર પાસે છે તે તમામને ડિપોર્ટેશનનો ખતરો, જાણો ડિપોર્ટેશન...

જેના પાસપોર્ટ અમેરિકી સરકાર પાસે છે તે તમામને ડિપોર્ટેશનનો ખતરો, જાણો ડિપોર્ટેશન એટલે શું અને તેની સમગ્ર પ્રક્રિયા

Face Of Nation 09-02-2025: હાલમાં અમેરિકાનું ડિપોર્ટેશન ચર્ચાનું કેન્દ્ર છે. સૌ કોઈ અમેરિકામાં વસનારા ભારતીયોની ચર્ચા કરી રહ્યા છે. અલગ અલગ મંતવ્યો સાથે લોકો પોતાના અભિગમ રજૂ કરી રહ્યા છે. જો કે આજે ડિપોર્ટેશન અંગેની કેટલીક મહત્વની બાબત ઉપર અમે આ વિશેષ લેખ પ્રકાશિત કરી રહ્યા છીએ. કોઈ પણ દેશમાં ગેરકાયદે રહેલા વ્યક્તિઓ માટે ડિપોર્ટેશનએ એક પ્રક્રિયા છે. જે પ્રક્રિયા ઘણી લાંબી છે. જો કોઈ દેશની સરકાર તે પ્રક્રિયામાંથી પસાર થાય તો ડિપોર્ટેશન કરવામાં ઘણો સમય વીતી જાય છે. ડિપોર્ટેશન એટલે ગેરકાયદેસર ઘુસેલા વ્યક્તિને દેશનિકાલ કરવાની પ્રક્રિયા. અન્ય દેશમાંથી ગેરકાયદે ઘુસનાર વ્યક્તિને ઇમિગ્રન્ટ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેનો દેશ છોડીને અન્ય દેશમાં ગેરકાયદે પ્રવેશ મેળવે છે ત્યારે તે નાગરિક જે તે દેશનો ગેરકાયદે ઇમિગ્રન્ટ કહેવાય છે.
અમેરિકામાં લગભગ 7,25,000થી વધુ ભારતીય અપ્રવાસી છે, જે રેકોર્ડમાં નોંધાયેલા નથી. આ પ્રકારે ભારતીય સમુદાય મેક્સિકો અને સાલ્વાડોર બાદ અમેરિકામાં ત્રીજું સૌથી મોટું ગેરકાયદે અપ્રવાસીનું સમૂહ છે. જોકે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, “ભારત ગેરકાયદેસર ઇમિગ્રેશનને બિલકુલ સમર્થન આપતું નથી. ગેરકાયદેસર ઇમિગ્રેશન સાથે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જોડાયેલી છે. આનાથી આપણી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. જો આપણો કોઈ નાગરિક અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો જોવા મળે અને તે ભારતીય નાગરિક હોવાનું પુરવાર થાય, તો અમે તેને કાયદેસર રીતે ભારત પાછા લાવવાની પ્રક્રિયા માટે તૈયાર છીએ.”

ડિપોર્ટેશનની પ્રક્રિયા : ગેરકાયદે ઘુસેલા વ્યક્તિ પાસે જો તેની રાષ્ટ્રીયતા કે નાગરિકતા પુરવાર કરવાના કોઈ ડોક્યુમેન્ટ કે દસ્તાવેજી સરકારી પુરાવાઓ ન હોય તો તેવા સંજોગોમાં દેશમાં રહેલી જે તે દેશની કોન્સ્યુલેટને તે વ્યક્તિ અંગેની માહિતી મોકલવામાં આવે છે. આ વ્યક્તિની માહિતીના આધારે જે તે દેશના કોન્સ્યુલેટે તપાસ કરીને એક રિપોર્ટ સરકારને આપવાનો હોય છે કે તે નાગરિક તેમના દેશનો છે કે નહિ ? આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે અને ઘણા કેસોમાં કોન્સ્યુલેટ આ પ્રકારના વ્યક્તિની ઓળખ માટેનો રિપોર્ટ નેગેટિવ આપી દે છે. તેવા સંજોગોમાં તે વ્યક્તિને તેના દેશમાં ડિપોર્ટ કરવો મુશ્કેલ બની જાય છે તેથી તેને જ્યાં હાજર હોય તે જ દેશમાં રહેવાની છૂટછાટ આપવામાં આવે છે. આવા અંસખ્ય લોકો હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે કે જેમની નાગરિકતાના કોઈ પુરાવા અમેરિકી સરકાર પાસે નથી અને તેના પુરાવા એકઠા કરતા લાંબો સમય નીકળી જાય તેમ છે.

ડિપોર્ટેશનનો ખતરો કોના માથે ? : કહેવાય છે કે અમેરિકામાં જયારે બાઈડનની સરકાર હતી ત્યારે મોટી માત્રામાં લોકો બોર્ડરથી પ્રવેશ લઈને અમેરિકામાં ઘુસ્યા હતા. બોર્ડરથી ઘુસનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે અને તે અંગે સમગ્ર અમેરિકામાં બાઈડન સરકાર વિરુદ્ધ લોકોમાં રોષ હતો. જે મુદ્દાને ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણી દરમ્યાન મુખ્ય મુદ્દો બનાવી દીધો અને જેને લઈને તેઓને જંગી જીત મળી. હવે વાત કરીએ કે, ડિપોર્ટેશનનો ખતરો કોના માથે વધુ છે તો, જે લોકો બોર્ડરથી અમેરિકામાં ઘુસ્યા છે તે તમામ લોકો પાસેથી એન્ટ્રી સમયે પાસપોર્ટ જમા લઇ લેવામાં આવ્યા હતા. આ પાસપોર્ટ હોવાથી અમેરિકી સરકાર પાસે સીધો પુરાવો છે કે, બોર્ડર ક્રોસ કરીને આવેલા વ્યક્તિ ક્યા દેશની નાગરિકતા ધરાવે છે. આવા સંજોગોમાં ડિપોર્ટ કરવા માટે અમેરિકી સરકારને જે તે વ્યક્તિના દેશની પરમિશન કે કોન્સ્યુલેટ પાસે પુરાવો માંગવાની પ્રક્રિયા કરવી પડતી નથી. બીજું એ પણ છે કે, ગેરકાયદે આવનારા લોકો અમેરિકામાં એસાઇલમ દાખલ કરે છે અને આ એસાઈલમમાં જરૂરી ડોક્યુમેન્ટમાં તેમની નાગરિકતાના ડોક્યુમેન્ટ પણ જોડાણ કરે છે અને તેથી સરકાર પાસે આ વ્યક્તિની તમામ જાણકારી પહોંચી જાય છે. જેથી આવા લોકોના માથે ડિપોર્ટેશનનો ખતરો વધુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

લોકપ્રિય નેતા શેના ? : મોદીના શાસન બાદ સૌથી વધુ ભારતીયોએ દેશ છોડી વિદેશમાં આશરો લીધો ! – Face of Nation