Face Of Nation 20-02-2025 : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા ભારતીયોની સંખ્યા વધતી જઈ રહી છે. કોઈ પણ પ્રકારે અમેરિકા જવાનો પ્રયાસ કરતા ક્યારેક લોકો તેમનો જીવ પણ ગુમાવી બેસે છે. તાજેતરમાં કેનેડા બોર્ડરથી અમેરિકામાં પ્રવેશનાર 12 ભારતીયોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અમેરિકાના બોર્ડર પેટ્રોલ એજન્ટોએ 12 જેટલા ભારતીયોને બચાવ્યા હતા. આ તમામ લોકો ઠંડીને લઈને હિમ લાગવાથી પીડાઈ રહ્યા હતા. આ તમામની અટકાયત કરીને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની સત્તાવાર માહિતી બોર્ડર પેટ્રોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ લોકો કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા તે સમયે ન્યુયોર્કના ક્લિન્ટોન શહેરમાં આવેલા ચુરુબુસ્કોમાંથી બોર્ડર પેટ્રોલના એજન્ટો દ્વારા તેમને પકડવામાં આવ્યા હતા. ચુરુબુસ્કોથી કેનેડાની બોર્ડર નજીક છે.
ઠંડીના કારણે બચાવવામાં આવેલા ભારતીયોના પગ થીજીને લાલ થઇ હતા. અગાઉ ઘણા એવા કિસ્સા બન્યા છે કે, ભારતીયોથી માંડીને અન્ય દેશના લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવા માટે ગમે તે હદે જાય છે. એજન્ટો દ્વારા સીધા જ અમેરિકામાં ઘુસવાના સપના દેખાડીને જંગલોમાં દોડાવવા, નદીઓ પાર કરાવવાના અને ઠંડીમાં બરફમાં ચાલવા ફરજ પાડવામાં આવે છે. આવા લોકો પાસે કોઈ વિકલ્પો હોતા નથી જેથી તેઓ સામે મોત દેખાતું હોવા છતાં ગમે તેવા જોખમોનો સામનો કરવાનું મુનાસીબ માની લેતા હોય છે. અમેરિકાની ઉત્તર સરહદીય વિસ્તારોમાં હાલ ભયંકર ઠંડી પડી રહી છે અને માઇનસમાં તાપમાન છે. જે ઠંડીને કારણે ઠેર ઠેર બરફના સ્તર પથરાયેલા છે. તેવામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરનારા 12 જેટલા ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયત સમયે મોટાભાગના ભારતીયો ગંભીર હિમ લાગવાથી પીડાઈ રહ્યા હતા જેમને તાત્કાલીક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બોર્ડર પેટ્રોલ વિભાગ દ્વારા પણ આ રીતે જીવન જોખમે ન પ્રવેશવા અપીલ કરી છે. બાળકો અને પરિવાર સાથે લોકો ભારે ઠંડીમાં બરફ ઉપર ચાલીને પણ બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. જેને લઈને જુદા જુદા સરકારી વિભાગો દ્વારા લોકોને આમ ન કરવા આજીજી કરવામાં આવે છે તેમ છતાં લોકો પોતાના પોતાના જીવની પરવા કર્યા વિના જીવના જોખમે અમેરિકામાં પ્રવેશી રહ્યા છે.
થોડા સમય અગાઉ 11 જાન્યુઆરીના રોજ બોર્ડર પેટ્રોલના એજન્ટોએ ઠંડા હવામાનની સ્થિતિથી પીડાતા હૈતીના 6 નાગરિકોને શોધી કાઢ્યા હતા. જેમાં પીડિતોમાં એક 9 વર્ષની મહિલા હતી, જેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. બોર્ડરના સુરક્ષાકર્મીઓએ તેમને સુરક્ષિત રીતે જંગલની બહાર રાહ જોઈ રહેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડયા હતા. 9 વર્ષની બાળકી સહીત વૃદ્ધ અને અન્ય ત્રણ વ્યક્તિઓને ઉચ્ચ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ લોકો પણ જીવન જોખમે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશ લઇ રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).
અમેરિકા પ્રવેશનારા ઘણા ભારતીયો બોર્ડર ઉપર ફસાયા, પનામાની હોટલોમાં કેદ લોકો મદદ માંગી રહ્યા છે