Face Of Nation:વડોદરા 10 ઓગસ્ટના રોજ યોજાનારી એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ અને મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આજે(27 જૂલાઈ) પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓએ ટેક્સ ક્ષેત્ર નામની ઇવેન્ટ કરતા વિદ્યાર્થીઓને વી.વી.એસ.(વિદ્યાર્થી વિકાસ સંઘ)ને સપોર્ટ કરવાની ધમકી આપી માર માર્યો હતો. આ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા પાંચ વર્ષથી પોલિટેકનિક કોલેજમાં ટેક્ષ ક્ષેત્ર નામની ઇવેન્ટનું આયોજન કરતા મેહુલ રાઠવા અને વિમલ ગોસાઇ નામના વિદ્યાર્થીને વી.વી.એસ.ના વિદ્યાર્થીઓ એક પછી એક રૂમમાં લઇ ગયા હતા અને વી.વી.એસ.ને ચૂંટણીમાં સપોર્ટ કરવા માટે ધમકી આપી હતી. બંને વિદ્યાર્થીઓ વી.વી.એસ.ના વિદ્યાર્થીઓની ધમકીને વશ ન થતાં તેઓને લાફા ઝીંકી કપડાં ફાડી નાંખ્યા હતા. વી.વી.એસ.ના માથાભારે વિદ્યાર્થીઓએ મેહુલ રાઠવાને ધમકી આપતા જણાવ્યું કે, વધુ બોલીશ તો એક લાફો મારીને 32 દાંત તોડી નાંખીશ. એક તબક્કે કેમ્પસમાં છૂટ્ટા હાથની મારામારી થઇ ગઇ હતી. આ દરમિયાન હુમલાનો ભોગ બનેલા મેહુલ રાઠવાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેને અને તેના મિત્ર વિમલ ગોસાઇને ધમકી આપી મારમારનાર શિતલ પંડિત, રામ યાદવ અને ગીરી નામના યુવાનો સહિત 7 જેટલા હુમલાખોર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.