Face Of Nation 06-04-2025 : રાજ્યના નફ્ફટ રાજકારણીઓ અને કેટલાક અધિકારીઓ મંદિરને પણ રાજકીય ગતિવિધિઓથી અભડાવવાનું બાકી રાખતા નથી. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સુરક્ષાના કારણોસર મંદિર પરિસરમાં મોબાઈલ સાથે પ્રવેશવાની મનાઈ છે. જો કે આ મનાઈ નેતાઓ અને નેતાઓના મળતીયાઓ માટે લાગુ પડતી નથી. સુરક્ષાના નામે મંદિર પરિસરમાં ભક્તો સાથે કડકાઈ દાખવવામાં આવે છે અને નેતાઓ તથા નેતાઓના સગાવ્હાલાઓને વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે. જો કોઈ સુરક્ષાકર્મી આવા કહેવાતા વીવીઆઇપીઓને મોબાઈલ સાથે મંદિર પરિસરમાં પ્રવેશતા રોકે તો એસી ચેમ્બરમાં બેઠેલા નમાલા અને નેતાઓના તળિયા ચાટતા અધિકારીઓ ફોન કરીને સુરક્ષાકર્મીને આદેશ કરે છે કે, “MLA સાહેબના માણસો છે, મોબાઈલ સાથે ચેકીંગ વિના પ્રવેશ આપો”. આવા આદેશો સાંભળીને ચોક્કસથી સુરક્ષાકર્મીઓનું લોહી ઉકળી ઉઠતું હશે અને અંતરાત્મા કહેતો હશે કે, મંદિર સત્તાધારીઓના બાપનું છે ? પણ તેમના માટે પેટનો ખાડો પૂરવો જરૂરી હોઈ “માં જોજે આ બધું અને ક્યારેક પરચો દેખાડજે આ બધાને” તેમ મનમાં કહીને ચુપકીદી સેવી લેવી હિતાવહ બની જાય છે. અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને 9 જાણે કે સ્પેશ્યલ વીઆઈપીઓ માટે જ ફાળવ્યા હોય તેમ અહીંથી તમામ વીઆપીઓને એન્ટ્રી આપવામાં આવે છે અને આ ગેટ જાણે કે, રાજકીય લોકોની એન્ટ્રી માટેનો અડ્ડો બની ગયા છે.
મંદિર પરિસરની જવાબદારી જેના શિરે છે તેવા વહીવટદાર અને બનાસકાંઠા કલેકટરની પણ એટલી હિંમત નથી કે, “કોઈ પણ વ્યક્તિને મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશવા દેવો નહિ” તેવો આદેશ આપી શકે. કલેકટર-એસપી જેવા અધિકારીઓમાં હવે એ તાકાત પણ રહી નથી કે, ગમે તે હોય પણ કાયદામાંથી છૂટછાટ ન આપે. અધિકારીઓ માત્ર પ્રજા આગળ જ રુઆબ અને દેખાવો કરીને રોલો મારે છે બાકી નેતાઓના ફોન આવતા જ જી સર, જી સર કરે છે. ભારતમાં પ્રજાના પૈસે જીવતો અધિકારી પ્રજા આગળ રુઆબ છાંટે છે, જયારે વિદેશમાં પ્રજાના પૈસે જીવતા સરકારી અધિકારીઓ પ્રજાને જી સર, જી સર કહીને સંબોધે છે. આ કડવી છે પણ નગ્ન વાસ્તવિકતા છે કે સરકારી અધિકારીઓ પ્રજાના નોકર છે માલિક નથી. કાયદાનું પાલન પ્રજા પાસે કરાવે છે તો નેતાઓ અને નેતાઓના મળતીયાઓ પાસે પણ કરાવવાની તેમની ફરજ છે.
કાયદો અને નિયમો માત્ર પ્રજા માટે હોય છે. જો તમારે કોઈ નેતા કે અધિકારીની ઓળખાણ કે લાગવગ હોય તો ગમે તેવા નિયમમાંથી તમને છુટકારો મળી જાય છે. ખરેખર આવી નીતિરીતિઓએ કાયદાના ધજાગરા ઉડાડી દીધા છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીઆઇપીઓની અવરજવરથી ધમધમે છે. અહીં આવનારા નેતાઓને પણ જાણે કે માતાજી આગળ વટ પાડવો હોય તેમ ફોટોસેશન કરવામાં આવે છે અને મીડિયાને સંબોધવામાં આવે છે. નેતાની મુલાકાત સમયે તેમની સાથે આવનારા લોકોને પણ મોજ પડી જાય છે અને નિયમો ભંગ કરવાનો છૂટો દોર મળી જાય છે કેમ કે તેઓ, નેતાજીના સપોર્ટમાં આવ્યા હોય છે. ખબર નથી પડતી કે અહીં મંદિર પરિસરમાં વીઆઈપીઓ તેમનો વટ પાડવા આવે છે કે મંદિરમાં દર્શન કરવા ?
મંદિરમાં સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તેવા સુરક્ષાકર્મીઓ જો કડકાઈ દાખવે તો તેમના ઉપરી અધિકારીઓ તેમને બદલી કરીને અથવા તો કાયદાના કોરડા ઝીકીને હેરાન પરેશાન કરી નાખે છે. ભણેલા ગણેલા કલેકટર બનેલા વ્યક્તિઓને જયારે નેતાઓના ઈશારે તેમના ઓળખીતાઓ માટે ફોન કરીને વીઆઈપી સુવિધાઓ માટે ભલામણો કરવી પડે તે વાત કલેકટરોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવા જેવી પરિસ્થિતિ ઉભી કરાવે છે. અધિકારીઓ નેતાઓના પટાવાળા બની ગયા છે. અંબાજી મંદિરમાં દિવસે દિવસે નિયમોના નામે પ્રજા સાથે થતી કડકાઈ વીઆઈપી અને નેતાઓ સાથે થવી પણ અત્યંત જરૂરી છે.
આવા સમાચારો પ્રકાશમાં આવે પછી કલેકટર, એસપી અને મંદિર સત્તાવાળાઓ તેમના ખુલાસાઓ આપે છે કે કોઈ પણ મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશ મેળવતું નથી તો પછી સોશિયલ સાઈટો ઉપર કેવી રીતે નેતાઓના મળતિયાઓના ફોટા માતાજીના પરિસર અને ગર્ભગૃહ સાથે જોવા મળે છે ? તે એક મોટો સવાલ છે. ખેર ! કલેકટર, એસપી અને મંદિરના સત્તાધીશો, તમારું જમીર જાગે અને તમે પ્રજા માટે લાગુ કરાતા નિયમોનું તમામ પાસે પાલન કરાવો તેવી માતાજી સુબુદ્ધિ આપે સાથે સાથે જગતજનનની માં જગદંબા પ્રજાને ન્યાય અપાવે તેવી પ્રાર્થના સાથે જય અંબે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).