Face Of Nation 24-04-2025 : ભારતમાં અવારનવાર આતંકી હુમલાઓ થાય છે. આ હુમલાઓ પાકિસ્તાનના આતંકી સંગઠનોના ઈશારે પણ થતા હોવાનું ખુલ્યું છે તેમ છતાં ભારતે આજદિન સુધી ક્યારેય પાકિસ્તાન સામે કડક વિઝા પ્રતિબંધ કે અન્ય કોઈ કાર્યવાહી કરી નથી. અમેરિકાના સત્તા સ્થાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતાની સાથે જ પાકિસ્તાન સહીત અનેક દેશોને વિઝા પ્રતિબંધની ચીમકી આપી તે દિશામાં કડક કાર્યવાહી પણ કરી છે. ટ્રમ્પનું આ પગલું અમેરિકામાં આતંકી હુમલા પહેલાનું છે જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકી હુમલો થયા બાદ જાણે કે દેશને દેખાડવા માટે કેટલાક કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વ જયારે એ વાત જાણે છે કે, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આતંકી સંગઠનોનો ગઢ છે તો પછી શું કામ ભારત હમેશા કોઈ આતંકી હુમલા બાદ જાગે છે ? આ એક મોટો સવાલ છે. આજદિન સુધી કેમ ભારતે એ કાર્યવાહી ન કરી જે આજે આતંકી હુમલા પછી કરવામાં આવી રહી છે ?
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે પાંચ નિર્ણયો લીધા. ભારતનું મીડિયા આ નિર્ણયોને મોટા નિર્ણય, મોટા નિર્ણય દેખાડીને સરકારની બહાદુરી બતાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કોઈ મીડિયા સરકારને સવાલ કરી રહી નથી. નિર્દોષ માસૂમોનાં મોત પછી કેમ જાગવું કે કાર્યવાહી કરવી તે સરકારની મોટી નબળાઈ છતી કરે છે. સરકારે આ હુમલા પછી જે નિર્ણયો લીધા તે કેમ પહેલા નથી લીધા ? ભારતમાં ઘૂસીને ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા બાદ કેમ સરકાર કાર્યવાહી ઉપર ઉતરે છે ? શું સરકાર માટે આતંકી દેશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કોઈના જીવનું બલિદાન જરૂરી છે ? 56ની છાતી સહિતના અનેક નિવેદનો કરનારા મોદીને કેમ કોઈ સવાલ નથી કરી શકતું ? કેમ 56ની છાતી તેમના દેશવાસીઓની રક્ષા નથી કરી શકતી ? સરકારે જે કાર્યવાહી ગઈકાલે હુમલા પહેલા કરવી જોઈએ તે આજે હુમલા પછી કરીને શું સાબિત કરવા માંગે છે ? અમેરિકાને તેમના દેશના નાગરિકોની સુરક્ષાની ચિંતા છે જેથી ટ્રમ્પએ આવતાવેંત આદેશ જારી કર્યો કે, બેલારુસ, પાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા 26 દેશોના જૂથને તેમની સુરક્ષા અને ચકાસણી પ્રક્રિયાઓમાં દેખાતી ખામીઓને દૂર કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. જો સુધારા નહીં કરવામાં આવે તો, આ દેશોને આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારની ચીમકીઓ ક્યારેય ભારતના વડાપ્રધાને આપી નથી. માત્ર ભાષણબાજીમાં જ નંબર 1 કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યવાહી હંમેશા ભારત ઉપર હુમલા થયા બાદની રહી છે. તેઓએ ક્યારેય એવી કોઈ કડક કાર્યવાહી ન કરી કે પાણી પહેલા પાળ ન બાંધી કે જેનાથી આતંકી હુમલા કરનારા લોકો સો વાર વિચાર કરે.
ભારતમાં જયારે જયારે મુસ્લિમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ત્યારે આતંકી હુમલાઓ થાય છે તે વાત જગજાહેર હોવા છતાં ભારતની મોદી સરકાર ક્યારેય હુમલા પહેલા કડક કાર્યવાહી કરવાની જાગૃતતા દેખાડતી નથી. મોદીના ભાષણોમાં જેટલી કડકાઈ દેખાય છે તેટલી જ જો કામગીરીમાં પણ દેખાય તો પાકિસ્તાન કે આતંકવાદ કોઈ પણ પગલું ભરતા પહેલા સો વાર વિચાર કરે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આતંકી હુમલાના સમયે તે સમયના વડાપ્રધાન ઉપર કોઈ આક્ષેપો કે ભાષણબાજી કરવાની એક તક છોડતા નહોતા. જયારે આજે તેઓ ખુદ વડાપ્રધાન છે ત્યારે કોઈની તાકાત નથી કે તેમને કોઈ કહી શકે કે, આટલા નિર્દોષોના જીવ પહેલા કેમ તમે કોઈ કાર્યવાહી ન કરી ? ટેક્સ ચુકવનારા નાગરિકોની સુરક્ષા કેમ તમારી સરકાર ન કરી શકી ? ખેર ! કાયમની જેમ આ વખતે પણ એ જ થશે. થોડા સમય પછી અખબારો અને ટીવી ન્યુઝ ચેનલોમાં સમાચારો શરૂ થશે કે, “પહેલગાંવ આતંકી હુમલાનો બદલો, ભારતે કરી એરસ્ટ્રાઇક” “મોદીનો માસ્ટર સ્ટ્રોક, પહેલગાંવ આતંકી હુમલાનો લીધો બદલો” “વિશ્વને મોદીનો સંદેશ, ભારત ઉપર હુમલા કરનારની ખેર નથી”. ખરેખર આ બધી હેડલાઈનો વાંચીને એમ થાય છે કે, ભારતીય મીડિયાએ મોદી ભક્તિ કરવામાં કશું બાકી રાખ્યું નથી કે રાખશે પણ નહીં. કોઈ મીડિયામાં તાકાત નથી કે નાગરિકોના મોત મામલે સરકારની કાર્યવાહી સામે સવાલો ઉભા કરી શકે. જો કોઈ સવાલ કરે તો તેને દેશદ્રોહી કહેવામાં આવે છે. પણ કેમ, ભાજપની સરકાર એટલી નબળી અને નમાલી બની ગઈ છે કે, નાગરિકોના જીવ ગયા બાદ જ હરકતમાં આવે છે ? કેમ તે પહેલા કોઈ નક્કર કાર્યવાહી નથી થતી ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).