Face Of Nation:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવતે કહ્યું કે, દેશમાં આજકાલ ભીડ-હિંસાના નામે હિન્દુ ઘર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ભાગવતે વૃન્દાવનના વાત્સલ્ય ગ્રામમાં આયોજિત સંઘની અખિલ ભારતીય સામાજિક સદ્ભાવ સમિતિના બે દિવસના કાર્યક્રમની શરૂઆતમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. અમુક જગ્યાએ ભીડ-હિંસાના નામે રાજકારણ કરીને સમાજમાં ધૃણા ફેલાવવાનું કામ કરવામા આવે છે તો અમુક જગ્યાએ ગાયના નામે હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવામાં આવી રહી છે. અમુક રાજ્યોમાં એક યોજના અંતર્ગત ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. દેશમાં આજે જે સ્થિતિ છે તેને જોતા દરેક પ્રચારકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે.
આરએસએસ વડાએ કહ્યું, હિન્દુ ધર્મની રક્ષા માટે વિવિધ મત-પંથ અને ઉપાસના પદ્ધતિઓના લોકોએ સાથે બેસીને વિવિધ સમાજ અને જાતિના વર્ગો થઈ રહેલા ભેદભાવને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે જ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. આ બેઠકમાં ભારતીય સામાજિક સદ્ભાવ સમિતિ સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને મઘાલય સહિત દરેક રાજ્યોના પ્રતિનિધિ અને સંઘ સાથે જોડાયેલા અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે.