Face Of Nation:રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત વરસાદ વરસતા ઘરોમાં પાણી ભરાયા હતા. પાણીનો ઘરમાં ભરાવો થતા ઘરવખરી પલળી ગઈ હતી. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા. કેટલાક વિસ્તારમાં તો એટલો ધોધમાર વરસાદ પડ્યો હતો કે લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સામાકાંઠે 6 ઈંચ, મધ્ય રાજકોટમાં પોણા 6 ઈંચ, કાલાવડ રોડ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.ભારે વરસાદનાં કારણે રાજકોટનાં રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ અંડરબ્રીજમાં એક કાર પણ ફસાઈ હતી. કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા રેલનગર અંડરબ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેને લઈને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.
રાજકોટમાં ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. ધોધમાર વરસાદને પગલે આજી-1 પોણો ફૂટ, આજી-2માં 9.35 ફૂટ, ન્યારી-1માં અડધો ફૂટ, ભાદર ડેમમાં 0.3 ફૂટ નવા નિરની આવક થઈ છે. આજી-2 ડેમના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. આજી-2 ડેમમાં 9 ફૂટ નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો મોહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોરબીના મચ્છુ -2 ડેમમાં અઢી ફૂટ પાણી આવ્યું છે અને મચ્છુ- ડેમમાં 5 ફૂટ નવા નિરની આવક થઈ છે.લોધિકા તાલુકાના પામભાર ઈટળા ગામે ધોધમાર વરસાદ પડતા ડોડી જળસંપત્તિ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જામનગર જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ધ્રોલ પાસેનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેને લઈને લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધ્રોલ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકામાં અડધો ઇંચ, જોડિયામાં અઢી ઇંચ, જામનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના 18 જેટલા ગામ વીજળી વિહોણા બન્યા છે.