Face Of Nation:કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આજે ત્રણ તલાક બિલ રજૂ કરી દીધું છે. હવે બિલ પર 4 કલાક ચર્ચા ચાલશે. રવિશંકરે કહ્યું છે કે, આ બિલ લૈંગિક સમાનતા અને મહિલાઓના સન્માન મામલે છે. ત્રણવાર તલાક કહીને દીકરીઓને છોડી દેવામાં આવે છે તે હવે સહન કરી શકાય એમ નથી.રાજ્યસભામાં AIADMK સાંસદ નવનીત કૃષ્ણનને બિલને ગેરબંધારણીય ગણાવીને કહ્યું કે, સંસદને આ વિશે કાયદો બનાવવાનો હક નથી. તેમણે કહ્યું કે, તલાકના કારણે પતિને જેલ મોકલવો ખોટી વાત છે અને તે જેલમાં હોય ત્યારે તેની પાસે ભરણ પોષણ માંગવું પણ યોગ્ય નથી. લગ્ન ઈસ્લામમાં સિવિલ કોન્ટ્રાક્ટ છે અને તેને તોડવામાં આવે તો તેને આરોપી જાહેર ન કરી શકાય. આ બિલ કાયદાકીય માળખામાં સેટ થતુ નથી. નવનીત કૃષ્ણનને બિલને સિકેલ્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી છે.બીજેડી સાંસદ પ્રસન્ના આચાર્યએ કહ્યું કે, અમારી પાર્ટી અને ઓરિસ્સામાં અમારી સરકાર મહિલા સશક્તિ કરણ માટે સતત કામ કરતી આવી છે. અમારી સરકારે મહિલાઓની બરોબરીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. બીજેડી સાંસદે કહ્યું કે, અમારી પાર્ટી આ બિલને સમર્થન આપે ચે. પરંતુ બાકી વર્ગ અને ધર્મની મહિલાઓને સશક્ત બનાવવા માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ.
રાજ્યસભામાં સીપીએમએ બિલનો વિરોધ કર્યો છે. પાર્ટી તરફથી ઈલામારમ કરીબે કહ્યું કે, આ બિલ દ્વારા સરકાર અલ્પસંખ્યક સમુદાય વચ્ચે અસુરક્ષાની ભાવના ઉભી કરી રહી છે. તેમણે કહ્યું છે કે, હાલના કાયદા પ્રમાણે ત્રણ તલાકને પહેલેથી જ ગેરબંધારણીય ગણવામાં આવ્યા છે. આ સંજોગોમાં કાયદો બનાવવાની કોઈ જરૂર લાગતી નથી. તેમણે કહ્યું કે જો મહિલા ખરેખર મુસ્લિમ મહિલાઓ મામલે ગંભીર હોય તો તેમણે મુસ્લિમ મહિલાઓની સાક્ષરતા વધારવાના દિશામાં કોઈ પગલાં લેવા જોઈએ. કરીમે કહ્યું છે કે, સરકારે પાસે પર્સનલ લો માં દખલગીરી કરવાનો અધિકાર નથી. સરકાર ધર્મ અને પરંપરાની આઝાદી છીનવવા માંગે છે.સપા સાંસદ જાવેદ અલી ખાને બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, દેશના ખ્યાતનામ લોકોએ પણ તેમની પત્નીઓને છોડી દીધી છે. તેમની પત્ની પણ વળતર મેળવવાને હકદાર છે કારણકે તે પત્નીનો દરજ્જો આજે પણ ધરાવે છે. શું આવા પતિઓને પત્નીનું વળતર અપાવવા માટે સરકાર કોઈ કાયદો લાવવાનું વિચારી રહી છે. બીડેપી તરફથી આ બિલ વિશે પહેલાં જે ચોગ્ગા-છક્કા લગાવી રહ્યા હતા તેઓ અંતે મી ટૂ આંદોલનમાં મેન ઓફ ધી મેચ નીકળ્યા હતા. મહિલાઓ સાથે અન્યાય માટે એક ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપે સરકારને 3 મહિનામાં રિપોર્ટ આપવાનો હતો. આજે તેનું શું થયું તેનો સરકાર પાસે પણ કોઈ જવાબ નથી.આ પહેલાં 16મી લોકસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારે બિલ રાજ્યસભામાં અટક્યું હતું. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તે સાથે જ સહયોગી પક્ષ જેડીયુએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ જ કારણથી ભાજપે દરેક સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે.