Face Of Nation:અમદાવાદ: શહેરની 14 અલગ અલગ બેન્કોમાં 2000ના દરથી લઈ 10ના દરની કુલ રૂ. 7.17 લાખની નકલી નોટ જમા થઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં બેંકોમાં આ નકલી નોટો બેન્કમાં જમા થઈ હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ નકલી નોટો આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી મળી આવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટને જલદી ઓળખી શકાતી નથી. એપ્રિલ 2019થી જૂન 2019 સુધીમાં એ.યુ સ્મોલ બેન્ક, ડીસીબી, કાલુપુર કો.ઓપરેટિંવ, યશ, IDBI, ICICI, એક્સીસ, HDFC, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન,SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC અને રિઝર્વ બેન્કમાં 2000ની 161, 500ની 264, 200ની 164, 100ની 1656, 50ની 224, 20ની 5, 10ની 11 નોટો, સરકારે રદ કરેલી 1000ની 49 અને 500ની 5 નોટો મળી કુલ 2549 નોટો કિંમત રૂ. 7.17 લાખની બેંકોમાં પધરાવાઈ છે. સૌથી વધુ ICICI બેન્કમાંથી અલગ અલગ દરની 1164 નકલી નોટો જમા કરાવાઈ છે. જેમાં સૌથી વધુ 100ના દરની 790 નોટો જમા થઈ છે.એસઓજીએ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર નથી આવતું. દર ત્રણ મહિને બેંકમાં આવેલી નકલી નોટોનો ગુનો પોલીસ નોંધી દે છે. નોટો પણ જમા લેવાય છે પરંતુ આ મામલે એસઓજી આવી નકલી નોટો મામલે કોઇ ખાસ તપાસ કરી શકી નથી.