Face Of Nation:હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક સામાન્ય તો ક્યાંક આફત બનીને આવેલા વરસાદથી જનજીવન ઠપ થઇ ગયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફ અને સેનાની ટુકડી કામે લાગી છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ જ નહીં પણ બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી લોકોને ધમરોળશે તે નક્કી.
અગાઉ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પડવાની ફરી આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યૂલેશનની બે વરસાદી સિસ્ટમના કારણે લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિની જાણકારી આપી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો-પ્રેશર સર્જાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.