Face Of Nation:અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી છ ઓગસ્ટથી ઓપન અદાલતમાં સુનાવણી થશે. સાથે કોર્ટે કહ્યું કે, મધ્યસ્થતા કમિટિ નિષ્ફળ રહી છે. મંદિર વિવાદ પર હિંદુ અને મુસ્લિમ પક્ષો વચ્ચે પરસ્પર સહમતિ બનાવવા માટે અયોધ્યા મધ્યસ્થતા પેનલને 31 જૂલાઇ સુધીનો સમય આપ્યો હતો. મામલાની સુનાવણી કરી રહેલી બંધારણીય પીઠને વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે, આ મામલાથી સંબંધિત હસ્તક્ષેપ અને રિટ પિટીશન મામલામાં લંબિત છે.
મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, અમે આ મામલા પર વિવિધ પાસાઓનો અભ્યાસ કરીશું. પહેલા આ મામલાની સુનાવણી શરૂ થવા દો. સુનાવણી દરમિયાન ભાજપ નેતા સુબ્રમણ્ચમ સ્વામી હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, તમામ વકીલ પોતપોતાના મામલાના દસ્તાવેજો તૈયાર કરી લે જેને આધાર બનાવીને તેઓ ચર્ચા કરશે. જેનાથી આ મામલા સંબંધિત દસ્તાવેજોની રજિસ્ટ્રિ પુરી કરાવી શકાય.અન્ય એક વકીલ વિષ્ણુએ કહ્યું કે, મધ્યસ્થતા પેનલ કોઇ એક મુદ્દા પર વાતચીત માટે અસફળ રહી છે. આ મામલા પર હિંદુ પક્ષ પોતાની ચર્ચાની તૈયારી માટે 40 દિવસનો સમય લેશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટમાં કહ્યુ હતું કે, તેમને ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ મળ્યો છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફ.એમ.આઇ કલીફુલ્લા કરી રહ્યા હતા. પેનલના અન્ય બે સભ્યો આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ હતા.