Face Of Nation:વલસાડ જિલ્લાના વાપીમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ હતી. ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને ઘરોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા. સમગ્ર જિલ્લામાં પારડી, કપરડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે.
વિગતો અનુસાર, શુક્રવારના રોજ ધીમીધારે વરસી રહેલા વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારની રાત્રીના 10 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધીમાં વાપીમાં 5 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે.પવન સાથે વરસતા વરસાદે ક્યાંક નાનામોટા ઝાડને પાડી દીધા છે તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. હાઇ-વે પર વાહન ચાલકોની અવરજવર ઘટી છે. શાળાએ જતા બાળકો, નોકરી ધંધે જતા નોકરિયાતો, ધંધાર્થીઓ સૌ કોઈ વરસતા વરસાદમાં ઘર બહાર નીકળતા જોવા મળ્યા હતા. ચારે તરફ સર્જાયેલ જળબંબાકાર પરિસ્થિતિમાં વહેલી સવારથી જ જનજીવન ઠપ્પ જોવા મળ્યું હતુંતો, સમગ્ર જિલ્લાના વરસાદી આંકડાની વાત કરીએ તો, ઉમરગામમાં 24 કલાકમાં 92mm વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ 1447 mm નોંધાયો છે. કપરાડામાં 261mm વરસાદ સાથે સીઝનનો સૌથી વધુ 2153 mm વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 127 mm સાથે સીઝનનો કુલ વરસાદ 1753 mm નોંધાયો છે. તો પારડીમાં 169 mm સાથે સીઝનનો કુલ વરસાદ 1579 mm નોંધાયો અને વલસાડમાં 122 mm સાથે કુલ 1430 mm વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 24 કલાકમાં 231 mm વરસાદ સાથે સિઝનનો કુલ આંકડો 1899 mm પર પહોંચ્યો છે.ભારે વરસાદને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સંઘપ્રદેશના સેલવાસમાં છેલ્લા 24 કલાકમાં 172.6 પડ્યો છે.