Face Of Nation:વડોદરા શહેરમાં આજે બપોર બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે વડોદરાવાસીઓ ચિંતિત બન્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ફરીથી વરસાદ શરૂ થતાં સપાટી વધવાની શક્યતા છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 29 ફૂટ થઇ છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જેથી વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે આજવા ડેમની સપાટી પણ ઘટીને 211.75 ફૂટ થઇ છે.
વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે. પરંતુ વિશ્વામિત્રી કાંઠાના વડસર, મુજમહુડા, તલસટ, કલાલી, સમા, પ્રિયંકાનગરમાં પાણી હજુ પણ ભરાયેલા જ છે. આ ઉપરાંત અણખોલ, સિંકદરપુરા, ઘાંઘરેટિયા અને દરજીપુરા સહિતના હાઇવે પરના ગામોમાં હજુ પણ ભરાયેલા છે.વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા આજે સવારથી જ ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.બુધવારે 20 ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે પણ ધીમીધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે સવારથી વ઼ડોદરા શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે વરસાદમાં પૂરની સંકટ યથાવત રહે તેવી શક્યતા છે.