Face Of Nation: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.અને એનડીઆરએફની ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગણદેવીના ભાટ ગામમાં 30 લોકો ફસાઈ જતા એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ ખાતે લવાયા હતા. દરમિયાન નવસારી ખાતે બચાવ માટે ગયેલી એનડીઆરએફની ટીમ પાણીમાં ફસાઈ ગઈ હતી. હાલ હેલિકોપ્ટર દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કપરાડામાં છેલ્લા 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ઔરંગા નદીમાં પણ પૂરની સ્થિતની પગલે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.વાપી-સેલવાસ રોડ ચંદ્રલોકની સામે, હાઇવે જલારામ મંદિર પાસે, ચણોદ કોલોની, સુર્યા કો-હાઉસિંગ સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા દોડધામ મચી હતી. આ ઉપરાંત છરવાડા રમઝાન રોડ પર પાણી ભરાતાં અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. વાપી તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. વલસાડમાં ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા કલેકટર સી.આર.ખરસાણે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોટ સાથે રવાના કરતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી.કાશ્મીરનગરમાં જ લગભગ 100 પરિવારના મહિલા સહિતના સભ્યોને સ્થળાંતર માટે બહારફાયર વિભાગે બહાર કાઢી વલસાડ પારડીની પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા. મોગરાવાડીના કાઉન્સિલર ગીરીશ દેસાઇ અસરગ્રસ્તોને મદદરૂપ થયા હતા.જ્યારે બરૂડિયાવાડ,વાડીફળિયા જેવા વિસ્તારોમાંથી પણ નજીકના સલામત સ્થળે લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની મદદથી ખસેડવામાં આવ્યા હતા.
કલેકટર સી.આર.ખરસાણે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દીધી હતી.વરસાદ અને ઉપરવાસમાં થયેલી ભારે વર્ષાને લઈ તાન, માન,પાર, નાર, લાવરી સહિતની નદીના જળ સ્તર વધવાની સાથે બંને કાંઠે ખળખળ વહી ગાંડીતુર બની હતી. ભારે વરસાદને લઇ દોડતા થયેલા વહીવટીતંત્રએ બે સ્થળો પર રેસ્ક્યુ કામગીરી સાથે કેટલાક લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. બીજી તરફ ભારે વરસાદને લઇ એસટી તંત્રએ 14 ટ્રીપ રદ કરી હતી. નાનીવહિયાળ પંચાયત કચેરી પાસેની પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક સરપંચ સહિત સ્થાનિકોએ બાળકોને સહી સલામત રીતે ખસેડયા હતા. ધરમપુરના ધોબીધોવાણ પાસેથી પસાર થતી સ્વર્ગવાહીની નદીના પાણીમાં ફસાયેલી વાન સહિત અંદર સવાર ત્રણથી ચાર વ્યક્તિઓને પાલિકા ફાયર વિભાગના લાશ્કરો સહિત લોકોએ સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. શહેરના સ્વર્ગવાહીની નદી કિનારે કોઠી ફળિયાના 20 પરિવારોના 63 વ્યક્તિઓને પાલિકાએ સ્થળાંતર કરાવી જીવીબા વાડીમાં ખસેડી રસોઈ,પાણી સહિતની વ્યવસ્થા કરી હતી.બીલીમોરાના અંબિકા નદીની સપાટી વધતા દેસરા અને શીપયાર્ડ વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીની સપાટી હજી પણ વધે તેવી શક્યતા જોતા તંત્ર દ્વારા એનડીઆરએફને બે ટીમ તૈનાત કરવામાં આવી છે.જ્યારે ગણદેવીના ભાટ ગામમાં 25 જેટલા પરિવાર ફસાઈ જતા ભારતીય વાયુ સેના દ્વારા વડોદરાથી બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અને પરિવારને એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.