Face Of Nation:જમ્મુ-કાશ્મીર અંગે નરેન્દ્ર મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ સેના અને વાયુસેના સજાગ બની છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ રાજ્યની સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.રાજ્યની કોઈપણ સંભવિત પરિસ્થિતિને કાબૂમાં લેવા સેના અને વાયુસેનાને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓની નજર હવે જમ્મુ-કાશ્મીર પર છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ પેટ્રોલીંગ વધારી દીધી છે. દરમિયાન સીઆરપીએફ જવાનોને શ્રીનગર ખસેડવાની કામગીરી ચાલુ છે. એલઓસી પર પાકિસ્તાનની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.શ્રીનગર અને જમ્મુમાં સુરક્ષાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે. સામાન્ય લોકોને બહાર ન નીકળવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં, લોકો એક સાથે ફરવા જવા પર પ્રતિબંધ છે. આખી ખીણમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલા ફક્ત મોબાઈલ સેવા બંધ કરાઈ હતી અને તે પછી લેન્ડલાઈન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ રીતે, સુરક્ષા દળોને હવે સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા છે જેથી કોઈ પણ પરિસ્થિતિ સંભાળી શકાય.ફક્ત એકલા જમ્મુમાં સીઆરપીએફની 40 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અગાઉ કાશ્મીરમાં જ હજારો વધારાની સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 5 ઓગસ્ટે યુનિવર્સિટીઓમાં યોજાનારી પરીક્ષા પણ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે.