Face Of Nation:શહેરમાં પડેલા ભારે વરસાદનો લાભ લઇ સુલતાનપુરામાં આવેલી પટેલ વિષ્ણુભાઇ કાંતિલાલની આંગડીયા પેઢીમાં નોકરી કરતા યુવાને રૂપિયા 64,20,000ની ચોરી કરી હતી. ડુપ્લીકેટ ચાવી બનાવી તિજોરીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર કર્મચારી સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર કર્મચારીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાડી પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સુલતાનપુરા લાલાકાકાના ભજીયાની દુકાન સામે પટેલ વિષ્ણુભાઇ કાંતિલાલની આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીમાં છ માસ પહેલાં સુલતાનપુરામાં રહેતો અરવિંદ કલાભાઇ રબારી નોકરી લાગ્યો હતો. છ માસની નોકરી દરમિયાન તેણે પેઢીમાં જે તિજોરીમાં સોનાના દાગીના અને રોકડ મૂકવામાં આવતી હતી., તે તિજોરીઓની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી લીધી હતી.ત્રણ દિવસ પૂર્વે શહેરમાં થયેલા ભારે વરસાદ પડતા પેઢી બંધ હતી. જે તકનો લાભ લઇ અરવિંદ રબારી પેઢીમાં ઘૂસી ગયો હતો. અને ડુપ્લીકેટ ચાવીથી તિજોરીઓ ખોલીને રોકડ રૂપિયા 5 લાખ અને રૂપિયા 59,20,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી રવાના થઇ ગયો હતો. જોકે, પેઢીમાં લગાવેલા સી.સી. ટી.વી. કેમેરાથી અજાણ કર્મચારી અરવિંદ રબારી સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયો હતો.ત્રણ દિવસ બાદ પેઢીમાં આવેલા માલિક વિષ્ણુભાઇ બબલભાઇ પટેલે (રહે. શ્રીજી સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) તિજોરી ખોલતા તિજોરીમાં રોકડ અને દાગીના ન જોતા ચોંકી ઉઠ્યા હતા. તુરતજ તેઓએ વાડી પોલીસ મથકને જાણ કરી ફરિયાદ આપી હતી. પોલીસે પેઢીમાં લગાવવામાં આવેલા સીસી ટી.વી. ફૂટેજ લઇ તપાસ શરૂ કરી હતી. તપાસમાં પેઢીમાં નોકરી કરતો અરવિંદ રબારી જણાઇ આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. અને ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.