Face Of Nation:વડોદરા દેવ ડેમમાંથી રવિવારે બપોરે 8000 ક્યુસેક પાણી છોડવામાં આવતા શહેર નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની હતી. ઢાઢર નદીમાં આવેલા પૂર વરસાદ બંધ થઇ જતાં ઓસરી રહ્યા છે. પરંતુ, નદી કિનારાના ગામોમાં ઘૂસી ગયેલા પૂરના પાણી ઓસર્યા નથી. પૂરલ અને ભારે વરસાદથી પ્રભાવિત થયેલા પાદરા તાલુકાના હુસેપુર ગામમાં જિલ્લા કલેક્ટર ટ્રેક્ટરમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું.
ઢાઢર નદીમાં આવેલા પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત થયેલા પાદરા તાલુકાના હુસેપુર સહિત વિવિધ ગામોની જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. આ ગામના 190 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હુસેપુર ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોઇ, જિલ્લા કલેક્ટર ટ્રેક્ટરમાં બેસીને ગામમાં ગયા હતા. અને પૂર અને વરસાદથી પ્રભાવિત લોકોને મળી સરકાર દ્વારા મળવાપાત્ર તમામ સહાય કરવાની ખાતરી આપી હતી. આ સાથે ગામલોકોને તત્કાલ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા તાલુકા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.નોંધનીય છે કે, ઢાઢર નદીમાં આવેલા પૂરના કારણે વાઘોડિયા તાલુકાના 19, ડભોઇ તાલુકાના 7 અને વડોદરા-પાદરા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને સાવચેતીના ભાગરૂપે 6 હજાર ઉપરાંત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પૂરના પાણી ઓસરતા મોટા ભાગના લોકો રાહત છાવણી છોડીને તેઓના ઘરોમાં પરત ફરી રહ્યા છે. જે લોકો રાહત છાવણીઓમાં છે તેઓને તંત્ર દ્વારા ફૂડ પેકેટ, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.