Home Uncategorized લોકસભામાં વિપક્ષનો હોબાળો, બિલ વિરુદ્ધ TMC સાંસદોનું વોકઆઉટ

લોકસભામાં વિપક્ષનો હોબાળો, બિલ વિરુદ્ધ TMC સાંસદોનું વોકઆઉટ

Face Of Nation:ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિશે વિપક્ષે હોબાળો કર્યો છે. કોંગ્રેસ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે. આ વિશે શાહે પડકાર આપતા કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો હોય તો તમે જણાવી શકો છો. અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ આપણું જ માનીએ છીએ. અમે તે માટે જીવ પણ આપી દીશું. શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી.

શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.લોકસભામાં ડીએમકે સાંસદ ટીઆર બાલુએ કહ્યું કે, કાશ્મીરની પરિસ્થિતિ વિશેષ છે પરંતુ તમે રાજ્યસભામાં આ વિશે કોઈ ચર્ચા નથી કરી. શું સરકાર લોકસભાની સાથે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નહતી કરી શકતી? પરંતુ સરકારની એવી ઈચ્છા જ નહતી. તેમણે કહ્યું કે, સંસદને સંકલ્પ પાસ કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલવાનો અધિકાર છે અને તેથી જ અહીં રોજ 2-3 બિલ પસાર કરવામાં આવી રહ્યા છે અને ચર્ચા કે દલીલ વગર નયા કાયદા પણ બનાવવામાં આવી રહ્યા છે. બાલુએ કહ્યું કે, ખબર નથી પડતી કે આ રીતે સરકારને શું મળવાનું છે કે, તેમનો હેતુ શું છે. અમે તો આ આ બિલ પર વોક આઉટ કરી શકીએ અથવા તેના વિરોધમાં વોટ કરી શકીએ. તમે એક રાજ્યની બે નગર પાલિકા બનાવી દીધી છે. તે લોકોની ચિંતા હવે કોણ કરશે. બાલુએ કહ્યું કે, આ બંને બિલને પસાર કરવાનો હક માત્ર વિધાનસભાને છે. સંસદને તેનો અધિકાર નથી. ત્યાંની સંવિધાન સભા તેનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. પરંતુ તમે માત્ર તમારા મેનિફેસ્ટોને લાગુ કરીને આ કલમ હટાવી દીધી છે. આ માત્ર તમારો હેતુ છે. જનતાની ઈચ્છા તો કઈક અલગ જ છે. તેથી ડિએમકે આ બિલનો વિરોધ કરે છે.ટીએમસી સાંસદોએ કહ્યું કે, આ વિભાજન પછી આતંકવાદી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. કારણકે હાલની સ્થિતિ અનિશ્ચતતાથી ભરેલી છે. સરકારે જણાવવું જોઈએ કે આવી સ્થિતિ ઉભી થાય ત્યારે શું પગલાં લેવા જોઈએ. સુદીપે કહ્યું, ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. અમને આ વિશે માહિતી કેમ આપવામાં આવી નથી. જો અમે આ બિલ પર વોટિંગનો હિસ્સો બનીશું તો અમે પણ તેના જવાબદાર બનીશું. તેથી અમે આ બિલ વિરુદ્ધ વોક આઉટ કરીએ છીએ.