Face Of Nation:કેરળમાં આફતનો વરસાદ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કેરળમાં મોટાભાગની નદીઓ અને જળાશયોના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે.ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 42 લોકોનાં મોત થયા છે. ભારે વરસાદને જોતાં રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઇમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ભારે વરસાદના કારણે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ મુજબ, આ જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફુંકાશે.ભારતીય હવામાન વિભાગે ઇદુક્કી, મુલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કોચ્ચિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આવન-જાવન પર રવિવાર બપોરે ત્રણ વાગ્યા સુધી રોક લગાવી દેવામાં આવી છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિએ ભારે વરસાદને જોતાં 22,165 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે અને સમગ્ર રાજ્યમાં 315 શિબિરોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા લોકોને પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યની પિનરાઈ વિજયન સરકારે સમગ્ર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે.