Home News માતાના રાજકારણના અનેક ચઢાવ ઉતારનાં સાક્ષી દિકરી અનારનો આજે જન્મદિવસ : જાણો...

માતાના રાજકારણના અનેક ચઢાવ ઉતારનાં સાક્ષી દિકરી અનારનો આજે જન્મદિવસ : જાણો તેમનાં વિશે આ વાતો

Face Of Nation Special (Dhaval Patel) : કહેવાય છે કે, મોરના ઈંડા ચીતરવા નથી પડતાં. હા ! ખરેખર આ વાત તદ્દન સાચી સાર્થક કરી છે અનાર પટેલે, કે જેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દિકરી છે. આનંદીબેન પટેલે જે રીતે તેમની કારકિર્દીની શરૂઆતથી જ સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની કારકિર્દી ઉજળી બનાવી તે જ રીતે આજે તેમની દિકરી સતત ગરીબોની અને જરૂરિયાતમંદની સેવામાં પોતાનુ જીવન સમર્પિત કરી રહ્યાં છે. માતા આનંદીબેનની રાજકીય કારકિર્દી સમયે આવેલા અનેક ચઢાવ ઉતારના અનાર સાક્ષી બન્યા છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, અનાર હમેશા માતાની પડખે ઢાલ બનીને ઉભી રહી છે. આનંદીબેન પટેલને અનાર નાનપણથી જ ખુબ વ્હાલી છે અને તેથી જ તેઓ હમેશા અનારની સાથે જ રહેવાનું પસંદ કરે છે અને દીકરી સાથે પોતાના સુખ દુઃખની લાગણી રજૂ કરીને હળવાશ અનુભવી લે છે.

  • પતિ જયેશ પટેલ, માતા આનંદીબેન પટેલ અને દીકરી સંસ્કૃતિ સાથે અનાર પટેલ

અનાર પટેલનો પહેલેથી જ એક માત્ર ધ્યેય હતો કે ગરીબ સ્ત્રીઓને રોજગારી આપવી, રસ્તે રખડતા બાળકોને શિક્ષણ આપવું જેનાથી તેમના પરિવારનું ભવિષ્ય સુધારી શકાય, અને જુદા જુદા કારીગરોને યોગ્યતા અનુસાર ભથ્થા પ્રાપ્ત કરાવવા. આ ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે આજે તેઓ રાત-દિવસ એક કરી અને કાર્ય કરી રહ્યા છે, તે માટે તેમણે ત્રણ એનજીઓ શરુ કરી છે. આ એનજીઓ એટલે માનવસાધના, ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સ. ગામશ્રી ની અંદર સ્ત્રીઓને એમ્બ્રોડરી,પેચવર્ક અને ભરત ગુંથણની તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેઓ સ્વ-રોજગારી પ્રાપ્ત્ત કરી શકે. આ ઉપરાંત સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ વધારી શકે તે માટે આરોગ્ય,શિક્ષણ અને નાણાંની યોગ્ય વ્યવસ્થા કેવી રીતે કરી શકાય તેના વર્કશોપ પણ આયોજિત કરે છે. ગામશ્રી સંસ્થા એ અમદાવાદ, પાટણ અને કચ્છ વિસ્તારોમાં કાર્યરત છે. આ દ્વારા અનાર બહેન એ સ્ત્રીઓના ભવિષ્યને સુધારવામાં સતત કાર્યરત છે. ઉપરાંત તેઓ માનવસાધના સંસ્થા સાથે પણ જોડાયેલા છે. માનવસાધના નો મુખ્ય હેતુ બાળકોને પોષણયુક્ત્ત ખોરાક આપવાનો અને તેમને આરોગ્ય માટે જાગૃત કરવાનો છે. ધીરે ધીરે અનાર અને તેમના પતિ જયેશભાઈની અથાક મહેનત ને કારણે અત્યારે 8000 સ્ત્રીઓ તથા બાળકો અને 35 જુદા જુદા વિકાસ અને સેવાને લખતા પ્રોજેક્ટ સાથે કાર્ય કરી રહ્યા છે જે સામાજિક વિકાસ કરવા માટેનું ઘણું મોટું પગલું છે. આ ઉપરાંત માનવ સાધના ઘણા બધા વિચારપ્રેરક કાર્યક્રમ પણ કરે છે જેને કારણે ગરીબ લોકોને મદદ કરી શકાય. અને તેમના હેલ્થ અને હાયજીન નાં પ્રશ્નોનું બને એટલું નિરાકરણ લાવી શકાય.
આજે અનાર પટેલનો જન્મદિવસ છે ત્યારે ઇશ્વર તેમને દીર્ઘાયુ અર્પે અને સતત સેવા કરવાનું બળ આપે તેવી શુભેચ્છા,.

  • અટલબિહારી બાજપેયી સાથે અનાર પટેલ તથા આનંદીબેન પટેલ

“આનંદીબેનનાં રાજકીય દુશ્મનોએ દિકરી અનારને બદનામીનાં માંચડે ચઢાવી, જે શરમજનક બાબત હતી”
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેને શપથ લીધા તે જ સમયથી તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હતું અને યેન કેન પ્રકારે આનંદીબેન સરકારને ધ્વસ્ત કરી દેવાના કાવાદાવાઓ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. આ એક નગ્ન સત્ય છે કે, આનંદીબેનની સરકારને પાડવા માટે જ તેમના જ પક્ષના લોકો કામ કરી રહ્યા હતા. આ વાત આનંદીબેન પટેલ પણ બખૂબી જાણતા હતા. જો કે આનંદીબેન વિરોધી લોબી કેમ કરીને આંનદીબેન સરકારને નુકસાન પહોંચાડાય તેવા સતત પ્રયાસોમાં લાગેલી હતી અને તેથી જ તેઓએ આનંદીબેનની દીકરી અનારને પણ ટાર્ગેટ કરી, એટલેથી નહીં અટકેલા વિરોધીઓએ આનંદીબેનના સમગ્ર પરિવારને ટાર્ગેટ કર્યો અને કૌભાંડો કર્યાના સમાચારો રજૂ કરાવવામાં આવ્યા. પરિણામે આનંદીબેન અને તેમના પરિવારની ઘણી બદનામી થઈ. આ વાત ખુબ જ શરમજનક હતી કે, આનંદીબેનના વિરોધીઓ ખોટી રીતે તેમની દીકરી અનારને ટાર્ગેટ કરીને બદનામીના માંચડે ચઢાવી રહ્યા હતા. આ વાત ખુબ જ નિમ્નકક્ષાના રાજકારણની ચાડી ખાઈ રહી હતી. આનંદીબેન સાથે થયેલા ગંદા રાજકારણના અનાર પટેલ સાક્ષી રહ્યા છે અને તેથી જ અનારને ક્યારેય રાજકારણમાં રસ રહ્યો નથી.

  • નિર્માની સ્વભાવના અનાર પટેલની સાદગી