Home Uncategorized વડોદરામાં ફરી તોળાતું પૂર:આજવા અને વિશ્વામિત્રી આફતની સપાટીએ, નાગરિકોને સાવચેતીનો અપીલ

વડોદરામાં ફરી તોળાતું પૂર:આજવા અને વિશ્વામિત્રી આફતની સપાટીએ, નાગરિકોને સાવચેતીનો અપીલ

Face Of Nation:વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે. અને તકેદારીના જરૂરી પગલાં લેવા, જરૂર જણાય તો ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે. ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 212.45 ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16.25 ફૂટ થઇ છે. જેથી સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે આજે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ છે.વિશ્વામિત્રીમાં સર્જાયેલી પૂરની સ્થિતીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને સંભવતઃ પૂરની સ્થિતિ વકરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લઇને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે. વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મુકાયું છે અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવાયા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટી અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.છેલ્લા 10 દિવસમાં વિશ્વામિત્રી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતી સંભવતઃ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશતને પગલે શહેરીજનોએ જીવન જરૂરી દૂધ, શાકભાજીનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે.