Face Of Nation:ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામે બે જુથ વચ્ચે મારામારીમાં કુલ 11 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. કિશોરીની હેરાનગતિ મુદ્દે થયેલા ઝઘડામાં બંને પક્ષ વચ્ચે છરી, ધોકા, લાકડીઓ વડે છુટ્ટાહાથની મારામારી થતા ગામમાં અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. મારામારીમાં તમામને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, પેથાપુર પોલીસે બંને સામ-સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે 11 લોકોમાંથી 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા જ્યારે પાંચની શોધખોળ ચાલી રહી છે.
બીજી તરફ મુકેશજી ઉર્ફે ગોકાજી પ્રહલાદજી ઠાકોર (33 વર્ષ)ની ફરિયાદ મુજબ પ્રવિણજી અને તેમના ભત્રીજા પંકજજી વચ્ચે મનદુ:ખ બાબતે પ્રવિણજી ભત્રીજાને મારવાર ફરતા હોવાનું વાત મળી હતી. જેથી તેઓએ સમાધાન માટે તેમને બોલાવ્યા હતા. ફરિયાદી અને તેમનો ભત્રીજો પકંજ રામાપીરના મંદિર ખાતે પહોંચ્યા ત્યારે પ્રવિણજી કોદરજી, તેમના ભાઈ નરેશજી અને વિક્રમજી તથા પિતા કોદરજી પુંજાજી હાજર હતા. ધોકા અને લાકડી સાથે આવેલા ચારેય લોકોએ ગાળાગાળી કરી તેમના પર હુમલો કર્યો હતો. આ સમયે ફરિયાદીના બીજા સંબંધીઓ પણ દોડી આવતા બંને પક્ષે મારામારી થઈ હતી. જેમાં ફરિયાદીને બરડા તથા બંને પગે નળાના ભાગે, વિહાજીને માથામાં મનુજીને પગે તથા ભપુજીને માથામાં તથા ગળાની નીચે માર વાગ્યો હતો.પ્રવિણજી કોદરજી ઠાકોર (37 વર્ષ, રહે-હુડકોવાસ)નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કુટુંબની 16 વર્ષની કિશોરીને ગામનો પંકજ નામનો શખ્સ હેરાન કરતો હતો જે મુદ્દે ફરિયાદી, તેમના બે ભાઈ અને પિતા યુવકને ઠપકો આપવા માટે જતા હતા. આ સમયે પંકજના ભાઈનો ફોન આવતા તેઓએ રામાપીર મંદિરે બોલાવ્યા હતા. ફરિયાદી સહિતના ચાર લોકો મોડી સાંજે ત્યાં પહોંચ્યા ત્યારે પંકજી જયરામજી ઠાકોર, તેનો ભાઈ મનુજી જવાનજી, દીનુજી જવાનજી, ગોકાજી ઉર્ફે મુકેશ પ્રહલાદજી, વિહાજી પ્રહલાદજી તથા નવઘણ ઉર્ફે ભપુજી પ્રહલાદજી ત્યાં હાજર હતા. જેનોને કિશોરીની હેરાનગતિ બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા તમામ લોકો ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેમાં વિહાજીએ ફરિયાદીને માથામાં છરી તથા પંકજજીએ માથામાં પાઈપ મારી હતી. તથા ફરિયાદીના ભાઈ વિક્રમજી અને પિતા બંનેને પેટ તથા છાતીના ભાગે છરી મારી હતી. તો ફરિયાદીના બીજા ભાઈ નરેશજીને આંખ પર ઈજાઓ પહોંચી હતી. તો વચ્ચે પડેલાં ફરિયાદીના કાકાના દિકરા હિંમતજી બાબુજીને વિહાજીએ ડાબા હાથે છરી મારી હતી.