Face Of Nation:ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે વધુ કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, પ્રભુભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ઠક્કરે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. ગુજરાત ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તેમજ તમામ કલાકારોને પક્ષમાં આવકાર્યા હતા. ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતા રબારી પણ ભાજપ સાથે જોડાયા છે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન “સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં” પણ લલકાર્યું હતું.બિહારી ગઢવીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ જણાવ્યું, આ પક્ષ સાથે હું દિલથી જોડાયેલો હતો. હેમુ ગઢવીના અવસાન પછી જો કલાકા ની કદર થઈ છે તો એ ભાજપમાં થઇ છે. અમારો પરિવાર તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે.જાણીતા ગાયિકા સંગીતા લાબડિયાએ કહ્યું હતું કે, “આજે અમે બધા કલાકાર મિત્રો ભાજપના એક તારમાં બંધાવા હાજર છીએ. ભાજપમાં દરેક મોટા પદાધિકારી સાચા અર્થમાં કલાકાર પ્રેમી હોવાથી બધા કલાકારો ભાજપામાં જોડાઈ રહ્યા છે. સૂરીલા પક્ષમાં જોડવાનો અમને આનંદ છે. ભાજપ અમારો પરિવાર છે. અમે પક્ષની સેવા કરતા આવ્યા છીએ. આજે તો અમારા પર ફક્ત કાયદેસરનો થપ્પો લાગ્યો છે.”