Face Of Nation:અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થતા 10 જેટલા મજૂરો દટાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ જેટલા મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી પણ અંદર 2 મજૂર હોવાની શક્યતા સેવાઈ રહી છે અને તેમને બહાર કાઢવા ફાયરબ્રિગેડના જવાનો પ્રયાસરત છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, આ આખી ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ દુર્ઘટના બની અને અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ કડડભૂસ કરતો તૂટી પડ્યો તો મોટો અવાજ થયો હતો. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બેઝમેન્ટના ભાગમાં પડી ગયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની રાહ જોયા વિના જ દોરડા લટકાવી અંદર પડેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કારણે ત્વરિત બચાવ કામગીરી શરૂ થઈ જતાં જ આટલી મોટી દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ ન થયાનું મનાય છે. જો કે, હજી પણ બેથી ત્રણ મજૂરો નીચે બેઝમેન્ટના ભાગમાં જ હોવાનું જાણવા મળે છે.