Face Of Nation:પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાના કાર્યકાળને 3 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન ઇમરાન ખાને તેને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની સરકારી ટીવી પીટીવી રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન ઇમરાન ખાને આર્મી ચીફ કમર જાવેદ બાજવાના કાર્યકાળને ત્રણ વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનની વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યુ કે, જનરલ કમર જાવેદ બાજવાને આગામી ત્રણ વર્ષ સુધી આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ આદેશ તેમના હાલના કાર્યકાળ ખત્મ થયાની તારીખથી પ્રભાવી થશે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ક્ષેત્રીય સુરક્ષા માહોલને જોતા લેવામાં આવ્યો છે. આ નોટિફિકેશન પર વડાપ્રધાન ઇમરાન ખાનના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે જનરલ બાજવાને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આર્મી ચીફ બનાવ્યા હતા. જનરલ બાજવાની નિમણૂક નવેમ્બર 2016માં કરવામાં આવી હતી. જનરલ બાજવા અગાઉ રાહિલ શરીફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા.