Face Of Nation:શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 સવારે 9:30 વાગ્યા પર ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ અંતરિક્ષમાં ભારતને ફરી એકવખત મોટી ઉપલબ્ધિ મળી ગઇ છે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચાંદ પર ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવશે. ઇસરોના મતે ચંદ્રયાન-2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયું છે. મંગળવારના રોજ સવારે 11 વાગ્યે ઇસરોના ચેરમેન કે.સિવન પત્રકાર પરિષદ કરીને તેની માહિતી આપશે.
22 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 14 ઓગસ્ટે ટ્રાન્સ લ્યૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 13 દિવસ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. આ સમગ્ર તબક્કો આ મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. આ દરમિયાન જ વૈજ્ઞાનિકો અને ચંદ્રયાનની સાચી અગ્નિપરીક્ષા થશે. ઉલ્લેખનીય છે કે, મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ, ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક તથા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક જેવા ત્રણ સેન્ટર ચંદ્રયાનનું નિરિક્ષણ કરતા હોય છે.22 જુલાઈએ છોડવામાં આવેલું ચંદ્રયાન-2 પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી નીકળીને મંગળવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચશે. આશરે 13 દિવસ સુધી ચંદ્રયાન-2 ચંદ્રના ચક્કર કાપશે. એના પછી 4 દિવસ બાદ 7 સપ્ટેમ્બરે એમાં રહેલું લેન્ડર ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરશે. જોકે વિજ્ઞાનીઓ માને છે કે ચંદ્રની ધરતી પર એનું સોફ્ટ લેન્ડિંગ કરવાની મુખ્ય સમસ્યા છે, કારણ કે ચંદ્રની ધરતી પર પૃથ્વીની જેમ વાતાવરણ નથી. પૃથ્વી પર હજારો ફૂટ ઊંચેથી પેરાશૂટ દ્વારા નીચે ઊતરી શકાય છે કારણ કે અહીં હવા અને ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્ર પર પૃથ્વીની જેટલું ગુરુત્વાકર્ષણ બળ પણ નથી. દરેક જગ્યાએ અલગ અલગ બળ છે. આવામાં પ્રતિ સેકન્ડ 1.5 કિલોમીટરની ઝડપથી ફરી રહેલા ઓર્બિટમાંથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવું મોટો પડકાર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા પથ્થરો, ખાડા અને ક્રેટર્સ છે જેથી લેન્ડર ક્રેશ થવાનો ખતરો રહેલો છે.