Face Of Nation:ગાંધીનગરના બહુચર્ચિત સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની અમદાવાદ આવી પહોંચી છે. આજે અમદાવાદ એરપોર્ટે પહોંચી ત્યાર બાદ ગાંધીનગર પહોંચી હતી. દિલ્હીની મહિલાએ તેની સાથે ગૌરવ દહિયાએ લગ્ન કર્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાનો આક્ષેપ હતો કે, દહિયાએ લગ્ન કર્યા અને સંતાનમાં એક દીકરી પણ છે અને બાદમાં તેને તરછોડી મૂકી હતી.પીડિતાએ જણાવ્યું હતું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું.
પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની મને જાણ નહોતી. હું મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના SPને મળીને રજૂઆત કરવા માંગુ છું. જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત છે.વધુમાં તેણે કહ્યું હતું કે, હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગુ છું. આ તમામ લોકોને મળીને હું રજૂઆત કરીશ. જોકે, પીડિતાએ જણાવ્યું હતું કે, તેમને મળવા માટે કોઈએ સમય આપ્યો નથી.