Face Of Nation:અધિકારીઓ પ્રજાની સેવા માટે હોય છે પરંતું જ્યારે તેઓ રાજાઠાઠમાં આવી જાય છે ત્યારે સૌ કોઈ માટે આફતરૂપ બની જાય છે. સામાન્ય રીતે તો રાજાઠાઠ હોવો જ ન જોઈએ કેમ કે આ લોકો ક્યારે વળી ઘોડા ઉપર ચઢીને રાજય જીતવા નીકળ્યા હતાં તે રાજાઠાઠનાં સ્વપ્ના જોઇ શકે અને તેવું વર્તન કરી શકે. છતાં કેટલાય અધિકારીઓ પોતાને રાજ્યના રાજા માનતા હોય તેટલો રૂઆબ છાંટતા હોય છે. સોલા સિવિલનાં સુપ્રિટેડન્ટ હાલ તેમની વર્તણુકને લઇ ચર્ચામાં છે. રાજાઠાઠમાં મ્હાલ્તા આ સુપ્રિટેડન્ટની આપખુદશાહીનો ભોગ બનવામાં હવે પોલીસ પણ બાકાત રહી નથી તે ખૂબ શરમજનક બાબત છે. તાજેતરમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનાં એક પીએસઆઇ તપાસ અર્થે સોલા સિવિલ પહોંચ્યા હતાં, જયાં તેમણે કેમ્પસમાં લાગેલા સીસીટીવીનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં કુલ 24 કેમેરામાંથી 3 કેમેરા જ ચાલુ હાલતમાં જણાયા હતાં. બાકી રહેલાંમાંથી કેટલાંક તુટી ગયા હતાં તો કેટલાંક બંધ હતા.
આ બાબતે પીએસઆઇ તેમનાં સ્ટાફ સાથે સુપ્રિટેડન્ટને મળવા પહોંચ્યા હતાં. જો કે તેમની ઓફીસ બહાર કોઈ ન જણાતા તેઓએ ઓફિસમાં મે કમ ઈન સર એવો આદર આપીને પ્રવેશ મેળવ્યો હતો અને તુરંત જ પોતાની ઓળખ આપી હતી. આ બાદ પોલીસ કર્મચારીઓને જે અનુભવ થયો તે અત્યંત શરમજનક હતો. સુપ્રિટેડન્ટને પીએસઆઈએ ઓળખ આપી હોવાં છતાં તેઓએ સાંભળી ન સાંભળી કરી ને બેલ મારી પટ્ટાવાળાને બોલાવ્યો અને પોલીસની સામે પટ્ટાવાળાને કહ્યુ કે, તને ખબર નથી પડતી, ક્યાં જતો રહે છે, આ જે તે વ્યક્તિ અંદર આવી જાય છે, ચિઠ્ઠી કેમ ન મોકલી. પીએસઆઇ સહિતના સ્ટાફને પોતાનુ થયેલું આવુ અપમાન સહન ન થતાં તેઓ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા હતાં. સોલા સિવિલનાં સુપ્રિટેડન્ટની રાજાશાહી યોગ્ય નથી. સરકારે આ મામલે કડકાઈ દાખવવી અત્યન્ત જરુરી છે. કેમ કે જો આવા અધિકારીઓ પોલીસ સાથે આવુ વર્તન કરતા હોય તો સામાન્ય નાગરિકો આગળ તો શુ નહીં કરતા હોય. આવા અધિકારીઓ એ વાત ભૂલી જાય છે કે, તેઓ જયાં બેઠા છે ત્યાં પ્રજાની સેવા માટે બેઠા છે. સરકાર તેમને રાજાશાહી માટે પગાર નથી આપતી. સરકારે આ મામલે પગલાં ભરવા અત્યંત જરુરી બન્યાં છે.