Face Of Nation:નડિયાદ મહુધા તાલુકાના સાપલા ગામે જુગારનો દરોડો કરવા પિકઅપ ડાલુ લઈને સિવિલ ડ્રેસમાં પહોંચેલી પોલીસને ઢોર ચોરનારા સમજીને ગ્રામજનોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2 પોલીસ કર્મચારીને ગ્રામજનોએ બંધક બનાવીને ગોંધી રાખ્યા હતા. અંદાજે 3 કલાક ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામાના અંતે ઉચ્ચ પોલીસ અધિકારી અને ધારાસભ્યે ગ્રામજનોને સમજાવ્યા બાદ પોલીસ કર્મચારીઓને મુક્ત કરાયા હતા.
મહુધા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાપલા ગામે જુગારનો દરોડો પાડવા પહોંચી હતી. સરકારી કે ખાનગી વાહનમાં દરોડો પાડવા જવાને બદલે મહુધા પોલીસના 8 જેટલા જવાન પિકઅપ ડાલુ લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં જુગાર રમી રહેલા 15 જુગારીને ઝડપી પાડ્યા હતા. આ સમયે હો…હા… થતાં આસપાસથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસ જવાનોને પશુ ચોરનારા સમજીને ઢોર માર માર્યો હતો. ગ્રામજનોએ પોલીસકર્મી શબ્બીરખાન અલેફખાન તથા ભૂપેન્દ્રસિંહને પકડીને ભાથીજી મંદિરમાં બંધક બનાવીને ગોંધી રાખ્યા હતા.પોલીસે તેમનું ઓળખપત્ર બતાવવા છતાં ગ્રામજનો ન માનતાં તુરંત જ મહુધા પોલીસ મથકના અધિકારીને જાણ કરાઈ હતી. આથી તેઓએ ગ્રામજનોને સમજાવીને બંને પોલીસ કર્મચારીને છોડાવ્યા હતા.