Face Of Nation:અમદાવાદ લકવાગ્રસ્ત મિત્રને આર્થિક મદદ કરવા તેના એક મિત્રે તેના જ ઘરમાં જુગારધામ શરૂ કર્યુ હતું. એક દિવસ જુગાર રમવા દેવા માટે જુગારધામનો સંચાલક તેના લકવાગ્રસ્ત મિત્રને રૂ.2 હજાર આપતો હતો. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત 15 જુગારીઓને ઝડપી રોકડ, મોબાઇલ અને વાહન સહિત 5.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કાંકરિયા જૂના ઢોર બજાર પાસેના મ્યુનિ. ઓફિસર્સ ફ્લેટ ખાતેના એક ફ્લેટમાં પાના-પૈસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીસીબીના પીએસઆઈ ડી.ડી. ચૌધરીએ સ્ટાફ સાથે બુધવારે રાતે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં તે ઘરમાંથી જુગાર રમતા 15 માણસો પકડાયા હતા. જોકે મકાન માલિક દીપક રાવલ લકવાગ્રસ્ત હોવાથી પથારીમાં સૂઇ રહ્યો હતો. સંચાલક આશિષ ઠક્કર દીપકનો મિત્ર છે. દીપકને પૈસાની જરૂર હોવાથી આશિષ તેના ઘરમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડાવતો હતો. આ માટે આશિષ દીપકને રોજના 2 હજાર આપતો હતો અને બાકીના પૈસા લઇ જતો હતો. દીપક ઊઠી-બેસી ન શકતો હોવાથી તેની ધરપકડ કરાઈ નથી.