Face Of Nation : છેલ્લા ઘણા સમયથી રૂપાલ સહીત ગુજરાત ભરમાં ઢબુડી માતાના નામે પોતાનો અડિંગો જમાવતા ધનજી ઓડના પાખંડ ઉઘાડા પડી ગયા છે. રૂપાલ ગામના છેવાડે ઝૂંપડું બાંધીને રહેતો ધનજી ઓડ લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમીને ક્યારે ઢબુડી માતા બની ગયો. આ પાખંડી હંમેશા તેનો ચહેરો ઢાંકીને રાખતો. પોતાની ઓળખ કે ફોટો ફરતો ન થાય તેની ખાસ તકેદારી રાખતો હતો. ધનજીએ લોકો ઉપર પાથરેલી ભ્રમની જાળમાં તેના મળતિયાઓ ખુબ જ મહત્વનો ભાગ ભજવતા હતા. યુટ્યુબમાં તેના વિડીયો વાયરલ કરનારા ધનજી ઓડના કારનામા પ્રકાશમાં આવતા જ તે રફુચક્કર થઈ ગયો છે. રૂપાલ ગામથી પોતાની માયાજાળ પાથરવાનું શરૂ કરનાર ધનજી ઓડને તેના કારનામાને લઈને રૂપાલવાસીઓએ ભેગા મળીને મારીને અહીંથી ભગાડ્યો હતો ત્યારબાદ આ પાખંડીએ ઠેર ઠેર પોતાના કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી હતી અને વિજ્ઞાન જાથાએ તેના પરાક્રમો ઉઘાડા પાડવાની શરૂઆત કરતા જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
ગાંધીનગરની પાસે આવેલ રૂપલ ગામનો વતની ધનજી ઓડ પોતાને ઢબુડી મા ગણાવે છે. તેનું કહેવું છે કે, તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. જે બાદ તેણે આ વાત લોકોમાં ફેલાવી હતી. ભોળાં લોકો પણ ધનજી ઓડની વાતમાં આવી તેને પૂજવા લાગ્યા. ઢબુડી માનું કહેવું છે કે, તેણે કેન્સર જેવાં રોગોને પણ મટાડી દીધા છે. આ માટે તે પોતાની એક ખાસ ટીમનો ઉપયોગ કરે છે.
ઢબુડી મા જ્યાં પણ જાય તે પહેલાં તેમના અનુયાયીઓ જે તે જગ્યાએ પહોંચી જાય છે. અને ઢબુડી માતાના પરચાઓની મનઘડંત કહાનીઓ લોકોને સંભળાવે છે. જેનાં કારણે લોકોમાં પહેલેથી ઢબુડી મા પ્રત્યે શ્રદ્ધા જાગી ઉઠે છે. જે બાદ ઢબુડી મા આવે છે અને ધૂણવા લાગે છે. અને આ રીતે લોકોને ઉલ્લુ બનાવી તે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે. અને લોકો પણ સ્વેચ્છાએ હજારો રૂપિયા દાનમાં આપી દે છે. આ ઉપરાંત યુટ્યુબ સહિતનાં સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર ઢબુડી મા પોતાના વીડિયો નિયમિતપણે પોસ્ટ કરે છે.
કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.
રૂપાલમાં ઢબુડી માના પાડોશીઓ કહે છે ‘લુટવા બેઠો છે ધનજી ’
પાલનપુરમાં પોલીસ અને ધારાસભ્ય ઢબુડી માને પગે લાગતો વીડિયો વાયરલ થતાં VTVની ટીમ ગાંધીનગરના રૂપાલમાં ઢબુડી માના મંદિરે પહોંચી હતી. આ ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ કરતાં પાડોશીઓ કહે છે કે ‘ધનજી (ઢબુડી માતા) લોકોને લુટવા બેઠો છે, તેના જ ભક્તો ચમત્કાર થયો હોવાની ખોટી વાતો કરી લોકોને ભોળવે છે. ભક્તો ખોટા વીડિયો બનાવી યુટ્યુબમાં અપલોડ કરે છે. ધનજી ખોટી રીતે માતાજીનો ડર બતાવી ભરમાવે છે. મોટી મોટી ગાડીઓમાં ફરી આભા ઉભી કરે છે. રૂપાલમાં જ ધનજી દરબાર ભરે છે. જ્યારે આવાં ધતિંગ કરે ત્યારે ચૂંદડી ઓઢે છે.