Home News ઢબુડી ઉર્ફે ધનજી ઓડે ચાંદેખેડામાં 35 હજારમાં બઁગલો ભાડે રાખ્યો હતો, ખાલી...

ઢબુડી ઉર્ફે ધનજી ઓડે ચાંદેખેડામાં 35 હજારમાં બઁગલો ભાડે રાખ્યો હતો, ખાલી કરવા મકાન માલિકનો આદેશ

Face Of Nation : ગાંધીનગરના રુપાલ ગામથી લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમીને પોતાની માયાજાળ પાથરવામાં સફળ થયેલા ધનજી ઓડના કારનામા દિવસે દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ મામલે અનેક ચોંકાવનારી બાબતો પ્રકાશમાં લાવતાની સાથે જ અનેક ભોગ બનનારાઓ પણ બહાર આવ્યા હતા. ધનજી ઓડ પોતાની ઓળખ છતી ન થાય તે માટે હંમેશા માથે ચૂંદડી રાખીને પોતાનું મોં ઢાંકેલું રાખતો હતો. તેના અનુયાયીઓ આવનારા લોકોને આકર્ષિત કરવામાં અને ખોટો પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખતા નહોતા.કોઈ પણ વ્યક્તિ પોતાના દુઃખ દર્દ સાથે ધનજીના દરબારમાં આવે ત્યારે તેના અનુયાયીઓ તેનો વિડીયો બનાવી લેતા હતા અને તેને યુટ્યુબમાં વાયરલ કરતા હતા. જો કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે.
ચાંદખેડામાં ધનજી ઓડે લોકોની આસ્થાની સાથે રમત રમીને કરોડોનો બઁગલો રાખ્યો હોવાની વાતની તપાસ કરતા ફેસ ઓફ નેશનને માહિતી મળી હતી કે, આ બંગલો મહિનાના 35 હજાર લેખે ભાડે રાખવામાં આવ્યો હતો. જો કે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના કારનામા પ્રકાશમાં આવતા જ મકાન માલિકે તેને આ બંગલો ખાલી કરી દેવાની સૂચના આપી દીધી હોવાની માહિતી મળી છે. દિવસે દિવસે ઢબુડી માતાના નામે ધતિંગ કરનારા ધનજી ઓડની વિરુદ્ધમાં અનેક લોકો બહાર આવી રહ્યા છે અને પોતાની સાથે થયેલી છેતરપિંડીની વાતો જણાવી રહ્યા છે તો બીજી બાજુ ધનજી ઓડે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પોતાની વાત રજૂ કરી હતી. ધનજીનું કહેવું છે કે, 100માંથી 10ના કામ ન થાય તો તેવા લોકો આ પ્રકારની કામગીરી કરે છે અને ઢબુડી માતાને અને પોતાને બદનામ કરવાના આશયથી આ બધું કરવામાં આવી રહ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, ગુજરાતીમાં કહેવાતી આ કહેવત અનેકવાર સાચી ઠરી છે. દિનપ્રતિદિન અનેક બાવાઓ, ઢોંગી ધૂતારાઓના કારનામાઓ પ્રકાશમાં આવ્યા છે છતાં પ્રજા ક્યારેય જાગૃત થવાનું નામ નથી લેતી.અશોક જાડેજાથી માંડીને આસારામ સહિતના અનેક ઢોંગીઓના કારનામા પ્રજાએ જોયા છે છતાં માતાજી અને ભગવાનના નામે લોકોને ધૂતી લેનારાઓનો આજે રાફળો ફાટી નીકળ્યો છે.