Face Of Nation : તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા પાર્ષદ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ બાબત કોઈ નવી નથી. છ મહિના કે વર્ષ પણ ન થયું હોય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પોતાનું પોત પ્રકાશે છે પરિણામે સેક્સકાંડ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો પ્રકાશમાં આવે છે. આ ઘટના સમાજ માટે ઘણી ગંભીર છે. આવી ઘટના અટકાવવી અત્યંત જરૂરી બની ગઈ છે કારણકે આવી ઘટનાઓ ને લીધે જ આવનારી પેઢીને ભગવા વસ્ત્ર કે સાધુ શબ્દ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની નગ્ન સેલ્ફી લીલાથી માંડીને સાધુઓના બાળકો સાથે સેક્સ કાંડ ખરેખર ગુજરાતી હિન્દૂ સંસ્કૃતિ માટે આઘાતજનક અને કલંકીત છે તેમ છતાં આ સંપ્રદાયના હરિભક્તો ક્યારેય આ મામલે રોષે ભરાતા નથી અને સંપ્રદાયના વડા પાસે જવાબ માંગવાની હિંમત કરતા નથી. તાજેતરમાં જ જે રીતે મોરારી બાપુના નિવેદનને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને હરિભક્તોએ હોબાળો કર્યો છે તે સારી બાબત છે કે પોતાના ધર્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે વિરોધ કરે છે પરંતુ આ સ્વામીઓ અને હરિભક્તોએ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે સમાજમાં તેમના સંપ્રદાયમાં બનતા સેક્સકાંડ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોથી સાધુતા શબ્દ ઉપરથી વિશ્વાસ અને માન સન્માન ઉઠી રહ્યું છે. સમાજમાં આવી ઘટનાઓની ઘણી ગંભીર અસરો પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી છ મહિના કે વર્ષ જેટલો ગાળો પણ નથી વીતતો ત્યાં એકાદ સેક્સકાંડ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના પ્રકાશમાં આવી જાય છે. આવી ઘટના બનતા વેંત સાધુઓને બહાર તગેડી દેવામાં આવે છે અને થોડા સમય બાદ ફરીથી એ જ સાધુઓને પાછા બોલાવી મંદિરોના મહંત બનાવી દેવામાં આવે છે છતાં પોતાની જાતને હરિભક્ત ગણાવતા લોકો આ મામલે કોઈ રોષ પ્રગટ નથી કરતા અને એ સાધુને પગે લાગીને ગુરુની પદવી આપીને ગાદીએ બેસાડી દે છે. ખરેખર આવી અંધતાને લીધે જ આવા સાધુઓને ફાવટ આવી ગઈ છે. આવી ઘણી ઘટનાઓ છે કે જેમાં સાધુઓ સેક્સકાંડમાં અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં પકડાયા હોય અને આજે સંપ્રદાયના વડાઓએ તેમને મંદિરના મહંત બનાવી દીધા હોય. સમાજ માટે આ એક શરમજનક ઘટના છે.આવી બાબતો સામે આવતા જ પોતાની જાતને હરિભક્ત કહેવડાવતા લોકો માટે સવાલ થાય કે, તમારો રોષ કે વિરોધ આવી ઘટનાઓ સમયે ક્યાં જાય છે ? કેમ તમારા સંપ્રદાયમાં આવી ઘટના બને છે એટલે તેનો વિરોધ કે રોષ નથી ઠાલવવામાં આવતો ?
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં સુવ્રત સ્વામિ ગુરૂભક્તિ સંભવ સ્વામિ સામે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દેવ સ્વામિ ગુરૂ નિલકંઠ ચરણ સ્વામિ(ચેરમેન) અને સંત વલ્લભ સ્વામી(કોઠારી) સામે આ કેસમાં મદદ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. તમામ આરોપીઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહે છે.ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સુવ્રત સ્વામી (ગુરૂ)ના પાર્ષદ તરીકે રહીને વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. સુવ્રત સ્વામિએ ફરિયાદીના સગીર પુત્રને ગુરૂની સેવા કરવી તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તેમ જણાવી તેની પાસે જુદા જુદા કામો કરાવી તેમજ પગ દબાવડાવી અને સગીર પર દાનત બગાડી તેની મરજી વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી તેમજ ઋષિકેશ લઈ જઈ ત્રણ માસ દરમિયાન સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરીને ધમકીઓ આપી હતી. તેમજ ફરિયાદી તથા તેના પુત્રને સેવકો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. તેમજ બીજા બે કિશોરો સાથે પણ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી અને ફરિયાદીના સગીર પુત્રને આરોપી દેવ સ્વામી ગુરૂ નિલકંઠ(ચેરમેન) તેમજ સંત વલ્લભ સ્વામિ(કોઠારી)એ સુવ્રત સ્વામિએ કરેલા કૃત્ય બાબતે વાત કરતા બન્નેએ એકદમ ઉશ્કેરાઈ ગમેતેમ બોલી સુવ્રત સ્વામિને મદદ કરી હતી.