Face Of Nation : બોલ મારી અંબે,. જય જય અંબેના જયઘોષ સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાની શરૂઆત થઇ ચુકી છે. આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઇભક્તો પગપાળા ઉમટી પડ્યા છે સાથે જ અંબાજીના માર્ગો ઉપર મોટી માત્રામાં સેવા કેમ્પો પણ ચાલી રહ્યા છે. જે પગપાળા આવતા યાત્રિકોની સતત સેવા કરી રહ્યા છે. શાહપુર કંપા પાસે ખીચાનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો સાથે જ સમગ્ર રસ્તા ઉપર નાના મોટા અનેક સેવા કેમ્પો માઇભક્તોની સેવાર્થે સેવાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે. ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજીનું મહાત્મ્ય એકદમ અલગ જ જોવા મળે છે. આ દિવસોમાં એક જુદા જ પ્રકારનું વાતાવરણ સર્જાય છે.
ઉંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીના ભકતો “અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ…’, “બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા કરીને આગળ વધે છે. સાથે… સાથે… માના રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવવિભોર બનીને માના ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે.
મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભકતો ઉમંગ અને હોંશથી જોડાય છે. જેમાં દેશભરના ખુણે ખુણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કરછ-ભૂજ, રાજકોટ, મુંબઇ-નાગપુરથી પણ ઘણાં સંઘો આવે છે. અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રાળુઓનું દિવસ-રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજયભરમાંથી કોઇ સંઘ સાથે તો કોઇ ગામના સમૂહ સાથે, કોઇ રથ સાથે તો કોઇ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીનાં દર્શને જવા નીકળે છે. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નં. ૮ ફોરલેન બની જતાં યાત્રીઓમાં રાહતની લાગણી અનુભવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મઘ્યપ્રદેશના રતલામ, નીમચ, ઝાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા-પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે.