Home Religion ભાદરવી પૂનમના મેળાની હર્ષોલ્લાસ સાથે માં અંબાના જયઘોષ સાથે પુર્ણાહુતી

ભાદરવી પૂનમના મેળાની હર્ષોલ્લાસ સાથે માં અંબાના જયઘોષ સાથે પુર્ણાહુતી

Face Of Nation : સાત દિવસીય ભક્તિ, આસ્થાના ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ, દર્શનાર્થીઓથી અંબાજી ઉભરાઇ ગયું હતું. શુક્રવારે પૂનમને લઇને લાખો ભાવિકો અંબાજીમાં આવી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મનમાં ભારે ઉમંગ અને હર્ષોલ્લાસ સહીત માં અંબાના જય ઘોષ સાથે મેળાની પુર્ણાહુતી થઈ હતી. ભાદરવી મેળાના આ દિવસો જોત જોતામાં ક્યાં વીતી ગયા માઇ ભક્તોને ખબર પણ ન પડી. અંબાજીના માર્ગો જે જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા હતા તે હવે સુમસામ લાગવા લાગ્યા છે.
લાખો પદયાત્રીઓ, દર્શનાર્થીઓને સુરક્ષા અને વ્યવસ્થા માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર પણ ખડેપગે માંઇ ભક્તોની સેવામાં તત્પર બન્યું હતું જેમની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી. પદયાત્રીઓ અને સંઘો માટે પણ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દર ભાદરવી પૂનમે ભક્તિ આસ્થાના પ્રતિક રૂપે અહીં ભક્તો દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે અને મા અંબાની ભકિત અને શક્તિના પરચા ચોમેર દેખાય છે ત્યારે ભાદરવી પૂનમના દર્શન સાથે ભક્તો મા અંબાને નવલા નવરાત્રી માટે આમંત્રણ આપે છે.