Home Uncategorized પરદેશમાં મોદી મોદી કરો છો તો દેશ શું ખુંચે છે ? એટલો...

પરદેશમાં મોદી મોદી કરો છો તો દેશ શું ખુંચે છે ? એટલો જ દેશ પ્રેમ હોય તો વિદેશનો મોહ કેમ ?

Face Of Nation : વાંચવામાં કડવું લાગશે પણ કોઈ પણ વ્યક્તિ તેના દેશમાં ન હોય અને પરદેશમાં હોય ત્યારે તેને તેના દેશ વિશેની વાત કરવાનો કોઈ અધિકાર નથી. સારી કે ખરાબ કોઈ પણ વાત કરવા માટે એ દેશમાં હોવું પણ જરૂરી છે. આજે વિદેશમાં મોદી જાય ત્યારે ત્યાંના ભારતીયો મોદી મોદી કહીને ઉન્માદમાં આવી જાય છે. ટીવી ચેનલો સામે અને લોકો સામે આવીને એવી વાતો કરતા સાંભળવા મળે છે કે, મોદીએ ભારત દેશને નવી રાહ ચીંધી છે. ભારતમાં વિકાસ કર્યો છે. ત્યારે સવાલ થાય છે કે, પરદેશમાં રહીને મોદી મોદી કરો છો તો જે તમારી જન્મભૂમિ છે અને જે દેશની વાતો કરો છો એ દેશ શું ખુંચે છે તમને ? એટલો જ દેશ પ્રેમ હોય તો વિદેશનો મોહ કેમ છે ?
વિદેશમાં રહીને જેટલી મજૂરી કરો છો તેટલી પોતાના દેશમાં કરો. જો તમને મોદી ઉપર વિશ્વાસ હોય અને સાચે જ વિકાસ થયો છે તેમ માનતા હોવ તો તમારા બાળકોને જન્મભૂમિ અને પોતાની માતૃભૂમિ ભારત દેશમાં ઉજ્જવળ ભવિષ્ય માટે મોકલી દો. નગ્ન અને કડવું સત્ય છે કે જે જે લોકો વિદેશમાં રહીને મોદી મોદી કરે છે તે બધાને એમ કહેવામાં આવે કે ઓહો ! તમારા દેશ પ્રત્યેના પ્રેમથી તમે હાલ જ્યાં વસવાટ કરો છો તે સરકાર પ્રભાવિત થઈ છે અને તમને માન સન્માન સાથે તમારા ભારત દેશ મોકલવામાં આવશે. કોઈ માઈ નો લાલ ફરીથી મોદી કે ભારત બોલવાની હિમ્મત નહીં કરે. આવો પ્રેમ ! નમાલો. અરે એટલી જ પડી છે ભારતની અને એટલી જ મોદીના વિકાસની ગુણગાથા ગાવી છે તો આવી જાઓ પાછા પોતાના વતનમાં અને જે કઈ કરો તે વતન માટે કરી જાણો. પછી મોદી મોદી કરજો કે ભારત માતા માટેનું ઋણ ચુકવવાની વાતો કરજો. કડવી વાસ્તવિકતા એ છે કે, આ ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યું છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જઈ રહી છે. રોજ બરોજના હજ્જારો વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા માટે અને તેમની આવતીકાલ ઉજ્જવળ બનાવવા માટે જઈ રહ્યા છે અને આમાંથી કેટલાકને બાદ કરતા તેમના વાલીઓ અહીં મોદી મોદી કે વિકાસ વિકાસ કરી રહ્યા છે. અરે ! તમારી વાતોથી કોઈ પ્રોબ્લેમ નથી, તમારી દેશ પ્રત્યેની અને વડાપ્રધાન પ્રત્યેની લાગણી આવકારવા લાયક છે. પરંતુ તમે એટલું બધું માનો છો કે દેશ વિકાસશીલ બની રહ્યો છે અને મોદી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે તો પછી શા માટે પોતાના સંતાનોને દેશની બહાર મોકલી રહ્યા છો ? શા માટે ? ના મોકલશો. અહીં દેશમાં જ ભણાવી એનું ઉજ્જવળ ભવિષ્ય જુઓ. પણ ના, તમને ડર છે કે મારા સંતાનને અહીં નોકરી મળશે નહીં, મારા સંતાનને અહીં ઉજ્જવળ ભવિષ્ય મળશે નહીં. વિદેશની ધરતી ઉપર દેશ માટેની વાતો કરવાનો ત્યારે જ અધિકાર છે જયારે તમે દેશ માટે કંઈક કરીને વિદેશ ગયા હોવ કે દેશમાં તમારા કાર્યની કોઈ ભાગીદારી હોય અન્યથા ક્યારેય નહીં.