Face Of Nation, Gandhinagar : વિકાસ વિકાસ અને વિકાસની ગુલબાંગો પોકારનારા નેતાઓ મહામૂર્ખ છે અને તેનાથી પણ વધુ મૂર્ખ છે એવા લોકો કે જેઓ આ વિકાસની ગુલબાંગોમાં અંજાઈને તેમની સાથે સરઘસમાં જોડાઈ જાય છે અને બૂમો પડે છે વિકાસ વિકાસ અને વિકાસ… જે રાજ્ય કે દેશની પ્રજાને પોતાના હક્ક માટે કે પોતાની સાથે થતા અન્યાય માટે લડત ઉપર ઉતરવું પડે કે આંદોલનો કરવા પડે તે સરકારે ક્યારેય પોતાના સફળતાનાં ગુણગાન ગાવા જોઈએ જ નહીં. આજે અનેક લોકો સરકારની આંધળી ભક્તિમાં લિન થઈ ગયા છે કે જેઓના છોકરાઓ આજે ગાંધીનગરમાં થતા આંદોલનમાં જોડાયેલા નથી. જેઓએ પોતાના સંતાનોને વિદેશ મોકલી દીધા છે અને અહીં બેઠા બેઠા સરકારની વાહ વાહી કરી રહ્યા છે તેવા લોકોએ સૌથી પહેલા પોતાના સંતાનોને વિદેશથી પરત બોલાવી લેવા જોઈએ અને ત્યારબાદ સરકારના વિકાસની વાતો કરવી જોઈએ. ગાંધીનગરમાં બે બે દિવસથી ચાલી રહેલા બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના આંદોલન બાદ પણ જે સરકારમાં પરીક્ષા રદ્દ કરવાની તાકાત ન હોય તે સરકારે પોતાને વિકાસશીલ કે સંવેદનશીલ કે પ્રજાની બેલી જેવા શબ્દ પ્રયોગ કરવાનો કોઈ અધિકાર નથી. જો સરકારી પરીક્ષાઓમાં તટસ્થતા જ હોય અને આટલી વિશાળ માત્રામાં યુવા વર્ગ જયારે રોડ ઉપર ઉતરી આવ્યો હોય ત્યારે એવી પરીક્ષાઓ તત્કાલ રદ્દ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટેનો સરકારે પ્રયાસ કરવો જોઈએ.
આજનો યુવાન તેના ભવિષ્ય માટે અથાગ મહેનત કરી રહ્યો હોય છે છતાં સરકારી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર થકી કોઈ એવા લોકો મેદાન મારી જાય છે કે જેઓએ મહેનત કરી હોતી જ નથી જો કે તે કદાપિ યોગ્ય નથી. મંત્રીથી માંડીને અધિકારીઓ પાસે સેટિંગ કરીને લોકો સરકારી નોકરી મેળવી લેતા હોવાની વાતો જગ જાહેર છે તેમ છતાં આ મામલે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. દરેક સમયે સરકારી પરીક્ષાઓમાં વિવાદનો સુર ઉઠે છે. આવા વિવાદો સરકારની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરે છે. જો કે આ યુવા વર્ગોમાં મોટા ભાગના યુવાઓ અને તેમના પરિવારોએ ભાજપ સરકારને મત આપીને ગુજરાતની ગાદી સોંપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હશે છતાં આજે તેમને રોડ ઉપર ઉતરવાનો સમય આવ્યો છે તે અત્યંત શરમજનક બાબત છે. ચૂંટણી વેળાએ પ્રજાના બેલી હોવાના દેખાવડા કરતા નેતાઓ આવા સમયે ક્યાં લપાઈ જાય છે તે એક સવાલ છે. વિજયભાઈમાં પાણી હોય તો તુરંત વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લઈ લેવો જોઈએ તેનાથી યુવાનોમાં સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ પણ ઉભો થશે અને સરકાર પ્રત્યે લાગણી થશે. પરંતુ જો વિદ્યાર્થીના હિતમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારની બદનામી થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી જે રીતે રોડ ઉપર બેઠા છે તે જોતા સરકારની કામગીરી અત્યન્ત નબળી કહી શકાય કે સરકારમાં કોઈ દમ નથી કે સરકારમાં કોઈ પાવર નથી કે તુરંત કોઈ નિર્ણય લઈ વિદ્યાર્થીઓંને વિશ્વાસમાં લેવામાં આવે. સીટની રચના કરીને માત્ર સંતોષ માની લેવો જરૂરી નથી કારણ કે ભવિષ્યની સીટની રચનાઓ અને તેની કામગીરીથી સીટ એક સવાલોના દાયરામાં આવી ગઈ છે. સીટ પ્રત્યે હવે વિશ્વસ્નીયતાનો મુદ્દો ઉપસ્થિત થઈ ગયો છે ત્યારે પ્રજાના હિતમાં રાજ્ય સરકારે તત્કાલ પરીક્ષા રદ્દ કરીને યુવાઓ સાથે થતા અન્યાયને જડબાતોડ જવાબ આપવાની હિંમત દાખવવી પડશે નહીં તો સરકારની વિશ્વસનીયતા ઉપર કોઈ ક્યારેય વિશ્વાસ નહીં કરે અને યુવાઓનું આંદોલન વિશાળ કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેશે તેમ કેહવામાં કોઈ બે મત નથી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ ત્વરિત કોઈ નિર્ણય ઉપર આવવું જોઈએ જેનાથી વિદ્યાર્થી વર્ગને પણ સંતોષ થાય.