Face Of Nation, Gandhinagar : ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ અગાઉ આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા છે. અમદાવાદ-વડોદરામાં ત્રણ કેસ કોરોના શંકાસ્પદ છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે જયંતિ રવિ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે. આ તમામ દર્દીની ઉમર 36 વર્ષથી વધુ નથી. 150 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હજુ 22ના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે 123ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિદેશમાંથી 555 મુસાફરો આવ્યા છે. જેમાંથી 68 ઓબ્ઝર્વેશન હેઠળ છે અને 492 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે. જે લોકો શંકાસ્પદ હશે તેમને સ્ટેમ્પ મારવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ગઇકાલથી બહાર આવ્યા છે તેમનું ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવશે.