Face Of Nation, Ahmedabad : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસની જનતા કર્ફ્યુની અપીલ કરી છે. જો કે અમદાવાદ સહિતની અનેક મહાનગરપાલિકાઓ આ જનતા કર્ફ્યુનો લોકો અમલ કરે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. બીજી બાજુ લોકો આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને દુકાનો, મોલ બહાર શાકભાજી, દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેને લઈને દુકાનદારોએ દૂધ-છાસમાં રૂ.2 થી 3 નો ભાવ વધારો લઈને ગ્રાહકોને રીતસરના લૂંટી રહ્યા છે તો શાકભાજી વાળા પણ ઉંચા ભાવે શાકભાજીની અછત સર્જાઇ હોવાના બહાના બતાવીને મન ફાવે તેમ ભાવ વસૂલી રહ્યા છે. લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે કેમ કે દૂધ, શાકભાજીનો સ્ટોક કરવાની જરૂર નથી. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની કોઈ પણ પ્રકારે અછત નથી પરંતુ જો આમ જ આંધળી દોટ મુકવામાં આવશે તો ચોક્કસ ભાવવધારો અને અછતનો ભોગ બનવું પડશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.