Home Uncategorized ભાજપ વિરુદ્ધ સમાચાર લખાય તો કોંગ્રેસી અને કોંગ્રેસ વિરુદ્ધ લખાય તો સત્યતા...

ભાજપ વિરુદ્ધ સમાચાર લખાય તો કોંગ્રેસી અને કોંગ્રેસ વિરુદ્ધ લખાય તો સત્યતા !, પ્રજાએ તેની માનસિકતા બદલવી પડશે

Face Of Nation : ભારતમાં રાજનીતિનું કદ પ્રજા ઉપર એટલું બધું હાવી થઇ રહ્યું છે કે, પ્રજા હવે પત્રકારો અને મીડિયા ઉપર પણ સત્તા વિરુદ્ધ સમાચાર લખતા શંકાની નજરે જોવા લાગે છે. પત્રકાર ક્યારેય કોઈ પક્ષનો વિરોધી કે કોઈ પક્ષનો તરફદાર નથી હોતો, તે નિષ્પક્ષ સમાચાર લખવામાં જ માનતો હોય છે પરંતુ ક્યારેક પરિસ્થિતિ તેને તેનામાં બદલાવ લાવવા માટે મજબુર બનાવી દે છે. આ એક નગ્ન સત્ય છે કે છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વનું સ્તર ખુબ જ નીચું જઈ રહ્યું છે. દિવસે દિવસે પ્રજા એ જ જોવા માંગે છે કે જે તેને ગમે છે પરંતુ એ વાસ્તવિક સ્થિતિ ક્યારેય જોવા નથી ઇચ્છતી કે જે સરકારની કામગીરીની બીજી બાજુ પણ છે. આજે સત્તાધારી પક્ષના વિકાસના નારા સાથે મીડિયા ક્ષેત્રમાં પણ એવો વિકાસ આવ્યો કે સમાચાર ઓછા પબ્લિસિટી વધુ દેખાડવામાં આવી રહી છે, હકીકતે તો મીડિયા પણ એક વાત શીખી ગયું છે કે જે પ્રજા જોવા માંગે તે જ દેખાડવામાં આવે, પરિણામે સત્ય ઓછું અને બનાવટી સમાચારો વધુ દેખાડવામાં આવે છે. ક્યારેક કોઈ પત્રકાર સનસનીખેજ સમાચાર લખીને તેને પ્રજા સમક્ષ લાવે છે ત્યારે જે તે નેતાઓ ખોટા કેસો કરીને એ પત્રકારને એટલી હદે બદનામ કરવાના પ્રયાસ કરે છે કે એ પત્રકાર ફરીથી નેતા વિરુદ્ધ લખવાની હિમ્મત કરી શકતો નથી.
ફેસ ઓફ નેશન અખબાર દ્વારા એક નેતાનું કૌભાંડ લખવામાં આવતું હતું. આ નેતાએ તેના પાવરનો ઉપયોગ કરીને ફેસ ઓફ નેશન અખબારના ડેક્લેરેશનને રદ કરવાનો મૌખિક આદેશ આપી દીધો અને અધિકારીઓએ તેનું પાલન કરીને અખબારના ડેક્લેરેશનને રદ પણ કરી દીધું. બસ, સનસનીખેજ સમાચાર લખતા અખબારને સચ્ચાઈ રજૂ કરતા સમાચારો લખવાની સજા મળી અને છેલ્લા ઘણા સમયથી આ અખબાર ન્યાય માટે વલખા મારી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રજામાં લોકપ્રિય બની ગયેલું અને સનસનીખેજ સમાચાર લખીને સત્યતા ઉજાગર કરતું આ અખબાર હાલ લોકો સુધી પહોંચી શકતું નથી. કેમ કે, તે સચ્ચાઈ લખવાની હિંમત કરતું હતું પરંતુ કોઈની જી હજુરી કરતું નહોતું.
સમાચારોના માધ્યમ થકી સમાજમાં બદલાવ લાવવાની, રાજનીતિમાં ચાલતા ષડયંત્રો ઉઘાડા પાડવાની અને નેતાઓ તથા સરકારના કૌભાંડો ઉજાગર કરવાની જવાબદારી એક પત્રકારની છે. આ જવાબદારી તે બખૂબી નિભાવે છે અને તેમાં તે કોઈ કસર બાકી રાખતો નથી. પરંતુ આટલેથી કોઈ પણ બાબત પૂર્ણ નથી થઈ જતી. પ્રજાની પણ એટલી જવાબદારી બને છે કે તે તેની ફરજમાં ચૂક ન કરે. પ્રજા ક્યારેક એવું કાર્ય ન કરે કે, સચ્ચાઈ લખનાર પત્રકારને માથે કોઈ એક પક્ષનો થપ્પો મારી દેવામાં આવે. કારણ કે, જયારે કોઈ પક્ષ વિરોધી સાચા સમાચારો લખવામાં આવે છે ત્યારે જે તે પત્રકાર ઉપર એટલુ બધું દબાણ ઉભું કરવામાં આવે છે તો જરા વિચારો કે, જો કોઈ પત્રકાર દ્વારા ખોટા સમાચાર લખાઈ જાય તો તેની હાલત શું થઇ શકે છે ? પ્રજા કોઈ પણ સમાચાર વાંચીને જેટલી સહેલાઈથી કોઈ વિચાર વણી લેતી હોય છે તેટલી સહેલાઈથી એ સમાચાર ક્યારેય લખાયા હોતા નથી. સત્તાના સિંહાસને બેઠેલા લોકો હંમેશા તેમના સારા કામો જ જાહેર કરે છે ક્યારેય તેમના ખરાબ કામો કે પ્રજાના હિતમાં બાકી રહી ગયેલા કામોની જાહેરાત કરતા નથી તેમ છતાં આવી પરિસ્થિતિમાં જયારે કોઈ પત્રકાર પ્રજા માટે થઈને કોઈ હકીકત અને સત્ય સમાચાર પ્રજા સમક્ષ રજૂ કરે છે ત્યારે પ્રજા તેને સત્તા વિરોધી તરીકેનો થપ્પો મારી દેવાનું મુનાસીબ માને છે. પત્રકાર માટે ક્યારેય એ મહત્વની બાબત નથી કે પ્રજા કોને પસંદ કરે છે, પત્રકાર માટે હંમેશા એક જ મહત્વની બાબત રહેલી હોય છે કે, પ્રજાએ પસંદ કરેલા હકીકતમાં પ્રજાના હિતમાં કર્યો કરે છે ? સત્તા જયારે કોઈ સારા કામો કરતી હોય ત્યારે પ્રજાએ તેનું અભિમાન લેવાની જરૂર નથી કેમ કે પ્રજાએ જયારે વિશ્વાસ મૂકીને તેને દેશ ચલાવવા માટે પસંદ કર્યા છે ત્યારે પ્રજાના હિતના કામો કરવા તે તેમની નૈતિક ફરજ બની જાય છે. કોઈ પત્રકાર સત્તાનો કે કોઈ પત્રકાર સત્તા વિરોધી નથી હોતો. પત્રકારનો પણ પરિવાર હોય છે છતાં આ બધાની વચ્ચે તે તમને હંમેશા ઘરે બેઠા સાચા સમાચારો દેખાડવા અથાગ પ્રયત્નશીલ રહે છે પરંતુ પરિણામે પ્રજા તરફથી તેને શું મળે છે ? કાંઈ નહીં. સત્તા વિરુદ્ધ સમાચાર લખે તો વિપક્ષનો થપ્પો અને વિપક્ષ વિરુદ્ધ લખે તો સચ્ચાઈનો થપ્પો ! જો કે હવે પ્રજાએ તેની આ માનસિકતા બદલવી પડશે નહીં તો પત્રકારોને કોઈ પણ પ્રકારના સચ્ચાઈ ધરાવતા સમાચારો રજૂ કરવામાં રસ ઓછો થઇ જશે અને લોકોને ગમે તેવા બનાવટી સમાચારો રજૂ કરવાની ટેવ પડી જશે.

અખબારનું ડેક્લેરેશન રદ કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી ફેસ ઓફ નેશન દ્વારા પ્રજા સાથે સમાચારના માધ્યમ થકી જોડાઈ રહેવાના અનેક પ્રયાસો કરવામાં આવતા હતા. આખરે વેબ સાઇટ મારફતે પ્રજાની આંગળીના ટેરવે અમે સમાચારો પહોંચાડવા માટે સોશિયલ પ્લેટફોર્મ પસંદ કરવાનો નિર્ણય લીધો પરિણામે પ્રજા માટે www.faceofnation.news ની શરૂઆત કરી રહ્યા છીએ.

આશા છે કે, ફેસ ઓફ નેશન અખબારની જેમ વેબ સાઈટને પણ આપ સૌ લોકપ્રિય બનાવીને અમને એક એવું બળ પૂરું પાડશો કે, સચ્ચાઈને અમે એ જ તટસ્થતા સાથે ધારદાર રીતે આપની સમક્ષ રજૂ કરતા રહીએ જે અગાઉ કરતા રહ્યા છીએ.