Face Of Nation Special Report : વિશ્વના દેશો જયારે કોરોનાના કેરમાં સપડાયા છે ત્યારે ભારતે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને આ વાઇરસને ફેલાતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતની આસપાસના દેશો કે જે ભારત કરતા પણ નાના છે ત્યાં કોરોના વાઇરસના કેસો વધુ જોવા મળ્યા છે. જેમાં ચીન, ઈરાન, પાકિસ્તાન, થાઈલેન્ડ સહીત અનેક દેશોનો સમાવેશ થાય છે. ચીનમાં 81 હજારથી પણ વધુ, ઈરાનમાં 23 હજારથી વધુ, થાઈલેન્ડમાં 700 કરતા પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા જેવી વિશ્વસત્તા પણ આ રોગને કાબુમાં લેવામાં સફળતા મેળવી શકી નથી ત્યારે ભારત સરકારની સમયસૂચકતાને કારણે આ કેસોના વધારા ઉપર કાબુ મેળવાયો છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભારતમાં સરકારે અગાઉથી જ લોકડાઉન કરીને આ વાઇરસને અટકાવવાના પ્રયાસો હાથ ધરી દીધા છે જયારે અન્ય દેશોમાં આ રોગ ફેલાઈ ચુક્યો ત્યારબાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને લઈને કોરોનાના કેસોમાં વધારો નોંધાયો હતો. ભારત સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી બાદ પ્રજાએ પણ તેમાં સહકાર પૂરો પડવો જરૂરી બન્યો છે. પ્રજા જો સાવચેતી નહીં રાખે અને સરકારના આદેશોનું પાલન કરવામાં બેદરકાર રહેશે તો આ કેસોની સંખ્યામાં વધારો થઇ શકે તેમ છે. વિશ્વના અનેક દેશોમાં નાગરિકોએ સરકારની જાહેરાતોનું પાલન ન કર્યું તેના પરિણામે કોરોના વાયરસ ચિંતાજનક રીતે ફેલાયો હતો.
જર્મનીમાં જ્યારે કોરોનાવાઈરસ શરૂ થયો તો ત્યાંના યુવાનોએ ઘણી જગ્યાએ કોરોના પાર્ટીઓ કરી હતી. કેટલાક લોકોએ તો વૃદ્ધો પર ખાંસી પણ ખાધી હતી. જર્મનીના દક્ષિણ પ્રાંત બાવેરિયાના પ્રેસિડેન્ટ માર્કસ જોઅડરનું કહેવું છે કે અહીં હાલ પણ કોરોના પાર્ટીઓ કરવામાં આવી રહી છે. કેટલાક યુવાઓ સિનિયર સિટિઝન્સની મજાક બનાવી રહ્યાં છે, તેઓ કોરોના-કોરોના પણ બૂમો પાડી રહ્યાં છે.
ફ્રાન્સમાં લોકડાઉન છે. તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થી અને અન્ય લોકો મસ્તી કરવા માટે બીચ પર નીકળી પડતા હતા. તેઓ સંક્રમણને રોકવા માટે ડોકટરની સલાહ કે લોકડાઉનને માનતા ન હતા. તેના પગલે અધિકારીઓએ તેમની વિરુદ્ધ પગલા ઉઠાવવાની ફરજ પડી હતી. ફ્રાન્સન ગૃહ મંત્રી ક્રિસ્ટોનેરે કહ્યું કે કેટલાક લોકો નિયમો તોડીને પોતાને હીરો સમજે છે પરંતુ વાસ્તવિકતા એવી કઈક અલગ છે. તેઓ મુર્ખ છે. તેઓ પોતાના અને બીજાના માટે ખતરો વધારી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો પાર્ટી અને કલબોમાં પણ જઈ રહ્યાં હતા. સરકારે કહ્યું કે શહેરના લોકોની આ હરકતોને કારણે કોરોના ગ્રામડાઓ અને સમુદ્રાના બીચો સુધી પહોંચી શકે છે, જ્યાં તેને રોકવું મુશ્કેલ બનશે.