https://youtu.be/QSGUTligDRg
Face Of Nation : કોરોનાના કેરથી લોકો હાલ ચિંતિત છે ત્યારે અમદાવાદ શહેર સહીત ગુજરાતના તમામ શહેરોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે રસ્તા ઉપર ઉભેલી પોલીસમાંથી કેટલાક પોલીસકર્મીઓએ માનવતા નેવે મૂકીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા નીકળેલા લોકોને પણ બેરહેમીથી ફટકાર્યા હતા. દિવસભર સોશિયલ મીડિયામાં પોલીસનો લોકોને માર મારતા અનેક વિડીયો વાયરલ થયા હતા. અમદાવાદના ચાંદખેડામાં પોલીસ વર્દીનું ભાન ભૂલીને પ્રજા ઉપર રીતસર તૂટી પડી હતી. પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ પોતાની મર્દાનગી જાણે કે ઘરમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા નીકળેલા લોકો ઉપર કઈ પણ પૂછ્યા વિના દંડા વરસાવી દેખાડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તોફાન કે કોઈ આંદોલન બાદ સરકાર દ્વારા કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો હોય અને ત્યાર બાદ જો કોઈ બહાર નીકળે તો પોલીસનું જેવું વર્તન હોય તેવું વર્તન લોકડાઉન દરમ્યાન જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો ચાંદખેડાનું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક વ્યક્તિ તેના નાના બાળક અને પત્ની સાથે નીકળ્યો હતો તેને પોલીસ કર્મચારીએ ડંડો ફટકારી દેતા તેની પત્ની તેને બચાવવા વચ્ચે પડી હતી અને પોલીસે દાદાગીરી કરીને તેને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. જો કે એ પરિવાર સાથે રહેલા બાળક ઉપર પોલીસની શું છબી ઉપસી હશે તે અંગે સૌ કોઈ સમજી શકે તેમ છે. પોલીસની આવી કામગીરીથી ચો તરફ ફિટકાર વરસી રહ્યો છે.