Face Of Nation : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરતાની સાથે જ અમદાવાદમાં રહેતા અનેક રાજસ્થાનીઓ પોતાના વતન રવાના થયા હતા. છૂટક મજૂરી કરીને જીવન વિતાવતા પરિવારો ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ હોઈ ભારે મુસીબતમાં મુકાયા હતા. જેને પગલે તેઓ અમદાવાદથી પગપાળા જ રાજસ્થાન સહિત પોતપોતાના વતન જવા નીકળ્યા હતા. હિંમતનગર-શામળાજી હાઇવે ઉપર રીતસર ભાદરવી પૂનમે અંબાજી પગપાળા સંઘો જતા હોય તે રીતનું દ્રશ્ય સર્જાયું હતું. મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન તરફ પગપાળા રવાના થતા મોટી સંખ્યામાં લોકો હાઇવે ઉપર નજરે ચઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 દિવસના લોકડાઉન બાદ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારો ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે સરકાર આ મામલે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી પણ ગરીબ વર્ગને આશા છે. ગુજરાત સહિતના મોટાભાગના તમામ રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી દેતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વાહનવ્યવહાર કે ટ્રાન્સપોર્ટ સેવા બંધ છે જેથી લોકોને ગુજરાતથી રાજસ્થાન ચાલતા જવું પડી રહ્યું છે. લોકો પોતાના કપડાં લઈને વતન તરફ ચાલી નીકળ્યા છે.