Home Exclusive કોરોનાએ 1918ની યાદ અપાવી, તે સમયે સ્પેનિશ ફલૂએ વિશ્વમાં 5 કરોડ અને...

કોરોનાએ 1918ની યાદ અપાવી, તે સમયે સ્પેનિશ ફલૂએ વિશ્વમાં 5 કરોડ અને ભારતમાં 1.70 કરોડના જીવ લીધા હતા

Face Of Nation Special Report (Dhaval Patel) : સ્પેનિશ ફલૂ વાઇરસ. જેને માનવ ઇતિહાસનો કાળમુખો વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસે 1918માં તેની શરૂઆત કરી હતી અને 1919 સુધી તેનો કાળો કેર વર્તાવ્યો હતો. જેને કારણે સમગ્ર વિશ્વમાં પાંચ થી દસ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ રોગના મૃતકોનો સાચો આંકડો હજુ સુધી એટલે કોઈ સાચો જાહેર નથી કરી શક્યું કારણ કે તે સમયે વિશ્વ યુદ્ધ પણ ચાલી રહ્યું હતું અને તેવામાં આ વાયરસે પોતાનો આતંક વરસાવવાનું શરૂ કર્યું હતું. 1918ના વસંતઋતુથી 1919ના પ્રારંભિક મહિના સુધી સ્પેનિશ ફ્લુના રોગચાળાથી વિશ્વનો વિનાશ થયો હતો. આ રોગ ત્રણ સ્ટેજમાં આવ્યો હતો. જેનું છેલ્લું સ્ટેજ સૌથી વધુ ઘાતકી પુરવાર થયું હતું. ૧૯૧૪ થી ૧૯૧૯ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું જેમાં અંદાજે ૨ કરોડ મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ ફેલાયેલા સ્પેનિશ ફલૂથી યુદ્ધ કરતા અઢી ગણા વધુ લોકોના મોત થયા હતા.
આજે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે લોકોને 1918માં ફેલાયેલા સ્પેનિશ ફલૂ તરીકે ઓળખાતા ઇન્ફલુએન્ઝા નામના જીવલેણ રોગની યાદ અપાવી દીધી છે. કોરોનાનો જેમ કોઈ ઉપાય નથી કે કોરોના જેટલો જીવલેણ છે તેવી જ રીતે સ્પેનિશ ફલૂથી બચવા પણ કોઈ ઉપાય નહોતો અને સ્પેનિશ ફલૂ પણ જીવલેણ હતો. કહેવાય છે કે હાલના અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દાદાને પણ આ રોગે પોતાના સકંજામાં લઈ લીધા હતા. વિશ્વના તમામ દેશો સ્પેનિશ ફ્લૂની ઝપટે ચઢ્યા હતા. વિશ્વના 195 થી વધુ દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ (કોવિડ-૧૯) થી દુનિયામાં ભયનો માહોલ ઉભો થયો છે.  જો કે એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં આજથી ૧૦૦ વર્ષ પહેલા સ્પેનિશ ફલૂ તરીકે ઓળખાતા ઇન્ફલુએન્ઝાથી ૫ કરોડ લોકોના મોત થયા હતા. સદી પહેલા સૂચના અને પ્રસારણ માટે આજના જેવા અધતન સાધનો ન હોવાથી મરણના આંકડામાં મતભેદ અને તફાવત જોવા મળે છે. કેટલાક દસ્તાવેજો તો મરણનો આંક ૮ થી ૧૦ કરોડ પણ દર્શાવે છે. એ સમયે વિશ્વની વસ્તી ૧.૮ અબજ આસપાસ હતી એની સરખામણીમાં મરણનો આંકડો કાંઇ નાનો સૂનો ન કહી શકાય.

શું હતો સ્પેનિશ ફલૂ, ક્યાં નોંધાયો હતો તેનો પ્રથમ કેસ ? : ઇન્ફલૂએન્ઝા તરીકે ઓળખાતા સ્પેનિશ ફલૂમાં પણ છીંક, ખાંસી, નાકમાંથી પાણી વહેવું અથવા તો બંધ થઇ જવું, શરીરમાં દુખાવો, સ્નાયુ જકડાઇ જવા, તાવ તથા ઝાડા વગેરે લક્ષણો જોવા મળતા હતા. ૧૯૧૮માં સ્પેનિશ ફલૂ વાયરસ જાન્યુઆરી મહિનામાં અમેરિકાના કન્સાસ પ્રાંતમાં તેનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ વાયરસે માત્ર બે જ વર્ષમાં કાળો કેર વરતાવ્યો હતો. સ્પેનિશ ફલુથી અમેરિકામાં આ વાયરસ ૭ લાખ જયારે બ્રિટનમાં ૨.૨૫ લાખના મોત થયા હતા. વર્તમાન સમયમાં વિદેશગમન માટે એરલાયન્સની સુવિધા છે પરંતુ એ જમાનામાં માલસામાનની હેરફેર અને મુસાફરી દરિયામાં જહાજો દ્વારા થતી હતી. આ જહાજોમાં દિવસો સુધી બેસીને લોકો એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા હોવાથી માનવીઓ વચ્ચેનો સંપર્ક ગાળો પણ વધારે રહેતો હતો. સ્પેનિશ ફલૂ દરિયાના વેપારી માર્ગો પર જહાજો દ્વારા દુનિયામાં એક સ્થળેથી બીજા સ્થળે ફેલાયો હતો.

ભારતમાં આ રોગ ક્યાં અને ક્યારે આવ્યો જેણે 1.70 કરોડના જીવ લીધા ? : ઓક્ટોબર,1918માં ભારતના પશ્ચિમ કાંઠે મુંબઇમાં પ્રથમ વાર આ રોગનો દર્દી નોંધાયો હતો. ઉત્તર અને મધ્ય ભારત સૌથી વધુ તેનો ભોગ બન્યું હતું પરંતુ પશ્ચિમ કાંઠે સૌથી વિકટ સ્થિતિ હતી. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આ રોગને કોગળિયું તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ભારતના કુલ ૯ પ્રોવિન્સના ૨૧૩ જિલ્લાઓમાં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો. સેનેટરી કમિશ્નનર ૧૯૧૮ના અહેવાલ મુજબ મુંબઇ પ્રેસિડેન્સીમાં પ્રતિ હજારે ૫૫ લોકો સંક્રમિત થયા હતા જયારે કલકતા અને મદ્રાસ સ્ટેટમાં પણ સેંકડો લોકો વાયરસ સંક્રમણનો ભોગ બન્યા હતા. ભારતમાં આ વાયરસના પ્રકોપથી ૧.૭૦ કરોડ લોકોના મુત્યુ થયા હતા. આથી જ તો એ પછીના બે વર્ષમાં ભારતમાં વસ્તીના પ્રમાણમાં ૫ થી ૧૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

સ્પેનિશ ફલૂથી વૃધ્ધો કરતા યુવાનોનો વધારે મોત થયા હતા : કોરોના વાયરસનો ભોગ વૃધ્ધો બની રહયા છે પરંતુ ૧૦૦ વર્ષ પહેલા સ્પેનિશ ફલૂની મહામારીમાં મૃતકોની સરેરાશ ઉંમર ૫૦ વર્ષની હતી જયારે વૃધ્ધો આ વાયરસનો શિકાર ઓછા બન્યા હતા. એવું માનવામાં આવે છે  કે આ વૃધ્ધો ૧૮૩૦માં ફેલાયેલા ફલૂના બીજા એક સ્વરુપનો પ્રતિકારનો અનુભવ ધરાવતા હતા. સ્પેનિશ ફલૂએ અમેરિકા, યૂરોપ, આફ્રિકા તથા એશિયાના વિવિધ ભાગો સહિત દુનિયાની એક તૃતિયાંશ વસ્તીને આવરી લીધી હતી.