Home Crime પોલીસે ખોટા કારણો બતાવી ટહેલવા નીકળતા લોકોના વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું

પોલીસે ખોટા કારણો બતાવી ટહેલવા નીકળતા લોકોના વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું

Face Of Nation : “સાહેબ દવા લેવા નીકળ્યો છું, સાહેબ આ જરા બાળક જીદ કરતું હતું તો બિસ્કિટ લેવા નીકળ્યા છીએ, સાહેબ કરીયાણું લેવા નીકળ્યા છીએ, સાહેબ દૂધ-છાસ લેવા જવું છે” આવા અનેક બહાના ધરીને શહેરીજનો રોડ ઉપર ટહેલવા નીકળી પડે છે. જો કે હદ તો ત્યારે થાય છે જયારે કેટલાક લોકો પોલીસ ઉપર અને સરકાર ઉપર ઉપકાર કરતા હોય તેમ એવું કારણ આપે કે, “સાહેબ આટલા દિવસથી ઘરમાં જ હતો, કંટાળી ગયો, અત્યારે પહેલી વાર નીકળ્યોને તમે ઉભો રાખ્યો” પોલીસ પણ હવે સમજાવી સમજાવીને થાકી ગઈ છે. પોલીસના માણસો પણ એક પરીવારમાંથી જ આવે છે, ઘરમાં બેઠેલા લોકો કરતા રસ્તા ઉપર અને હોસ્પિટલમાં ફરજ બજાવનારાઓને કોરોના વાઇરસનો ભય વધુ હોય તેમ છતાં કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના પોલીસ, ડોક્ટર અને મીડિયાકર્મીઓ તેમની ફરજ બજાવે છે તેમ છતાં જો પ્રજા બેદરકારી દાખવવાનું સતત ચાલુ જ રાખે તો પોલીસે ના છૂટકે કાયદાના કોરડા અને લાઠીનો પ્રસાદ વહેંચવો પડે છે. અમદાવાદના વિસ્તારોમાં જુદા જુદા ખોટા કારણો ધરીને રસ્તા ઉપર ટહેલવા નીકળી પડતા લોકોના વાહનો ડિટેઇન કરવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. કોરોના મહામારીને અટકાવવા અને તેને નાબૂદ કરવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ લોકો સમજદારી રાખી રહ્યા નથી જેને લઈને પોલીસને નાછૂટકે કડક થવાનો વારો આવ્યો છે. પ્રજા કોઈ બાબતે સમજવા તૈયાર ન હોય તેમ બિન્દાસ્ત રોડ ઉપર ટહેલવા અને પરીસ્થીતી જોવા નીકળી પડે છે તે ઘણી ગંભીર બાબત છે.