Home News એક્ટિવાની ડેકીમાં દારૂ લઈને સેનિટાઈઝિંગ કરવા નીકળ્યા અને પોલીસે ઝડપ્યા

એક્ટિવાની ડેકીમાં દારૂ લઈને સેનિટાઈઝિંગ કરવા નીકળ્યા અને પોલીસે ઝડપ્યા

Face Of Nation : કોરોના વાઈરસના પગલે અમદાવાદ સહિત દેશભરમાં લૉકડાઉનનો અમલ ચાલી રહ્યો છે. લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ અને તંત્ર નરમ વલણ દાખવી રહ્યા છે. પરંતુ કેટલાક માસ્ટર માઈન્ડ તેનો દૂરપયોગ કરી રહ્યા છે. અમદાવાદના બહેરામપુરામાં દારૂ લઈને સૅનેટાઇઝર કરવા નીકળેલા બે વ્યક્તિ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ગયા હતા. એક્ટિવાની આગળ આ ભેજાબાજોએ “સેનીટાઇઝર સર્વિસ, ગવર્નમેન્ટ એપ્રુવ્ડ” લખીને બોર્ડ માર્યું હતું જો કે સરકારે કે તંત્રે આવી રીતે એક્ટિવ ઉપર કોઈ સેનેટાઇઝર કરવા માટે વ્યક્તિઓ રાખ્યા નથી ત્યારે ચેકિંગમાં રહેલી પોલીસને શંકા જતા તેમની પૂછપરછ કરી એક્ટિવાની ડેકી ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે, બુટલેગરો આ રીતે દારૂનો વેપાર ચલાવી રહ્યા છે. પોલીસે સેનિટાઈઝિંગ સર્વિસના નામે દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓ કિશન ગામો મનોજ સોલંકી (ઉ. 22, એહમદ કસાઈની ચાલી બહેરામપુરા) તથા પ્રકાશ ઉફેઁ બાબુ હરિભાઈ પરમાર (ઉં.24, બળિયાદેવના છાપરા બહેરામપુરા) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેશી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, આ સમગ્ર ઘટનામાં કોઈ કોઈ બુટલેગરનો હાથ હોવાની શંકા છે.