Home News બધી જવાબદારી સરકાર, પોલીસ અને અધિકારીઓની નથી, થોડી જનતાની પણ છે

બધી જવાબદારી સરકાર, પોલીસ અને અધિકારીઓની નથી, થોડી જનતાની પણ છે

ફેસ ઓફ નેશન, 01-04-2020 : કોરોના વાઇરસને લઈને જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો અમલ કેટલાક લોકો કરી રહ્યા નથી ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે, “તમામ જવાબદારીઓ સરકાર અને પોલીસની નથી થોડી જવાબદારીઓ જનતાએ પણ સ્વીકારવી પડશે.” ઠેર ઠેર લોકો અવનવા બહાના કાઢીને રસ્તા ઉપર નીકળી પડે છે. જાણે અજાણે આવા લોકો કોરોના વાઇરસના દર્દી બનવાના પ્રયાસ કરે છે. આવા લોકોને ખબર નથી કે કોરોના વાઇરસ કેટલો ગંભીર છે. જેથી પોલીસ અને તંત્રે કડકાઈ દાખવવી પડી રહી છે. દેશ ઉપર આવેલી આ મહામારીને લઈને પ્રજાએ પણ સાવચેત બનવાની તાતી જરૂરિયાત છે અને પ્રજાએ પણ પોતાની નૈતિક જવાબદારીઓનો સ્વીકાર કરવો પડશે. માત્ર સરકાર જ કાર્યવાહી કરે અને માત્ર સરકાર જ ધ્યાન રાખે તેમ માનવું યોગ્ય નથી. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા નિયમોનું અને આદેશોનું લોકો ચુસ્ત પાલન કરે તે જરૂરી છે. છતાં હજુ પણ રાજ્યમાં ઘણા શહેરોમાં લોકો યેનકેન પ્રકારે જુદા જુદા બહાના ધરીને ઘર બહાર નીકળી પડે છે તો કેટલાક લોકો ટોળે વળીને ગપાટા મારવા બેસી જાય છે જે ઘણી ગંભીર અને વખોડવા લાયક બાબત કહી શકાય.