Face Of Nation, Ahmedabad : ભારત દેશની પ્રજા એક એવી પ્રજા છે કે જે રાજકારણને લઈને મીડિયા રિપોર્ટ ઉપર વધુ ભાર રાખે છે. મીડિયા જે બતાવે છે તે સચ્ચાઈ જ હોય છે તેવું ભારતના મોટાભાગના લોકો માને છે અને તેથી મીડિયામાં આવતા સમાચારને તેઓ સાચા પણ માની લેતા હોય છે. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમની યેનકેન પ્રકારે મીડિયામાં ચમકતા રહેવાની એક આવડત રહી છે. જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી મીડિયા હાઉસોને ભરપૂર જાહેરાતો મળી છે અને તેની અસર સમાચારો ઉપર પણ વર્તાઈ છે. આ બાબતને કર્તવ્યનિષ્ઠ પત્રકારોએ ખુબ જ ગંભીરતાથી પણ લીધી છે પરંતુ મીડિયા હાઉસો આગળ તેમનું કાંઈ ઉપજ્યું નથી. તાજેતરમાં જ વિશ્વના ટાઈમ મેગેઝીને એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી ભાગલા પાડનારા વડાપ્રધાન છે. જો કે આ અહેવાલ બાદ એવી પણ ચર્ચા ઉઠી કે, વિશ્વના મીડિયાએ લખ્યું કે, મોદી ભાગલા પાડનાર વડાપ્રધાન અને ભારતનું મીડિયા વાહવાહી કરતું રહ્યું
ટાઈમ મેગેઝીને એશિયા એડિશનમાં લોકસભા ચૂંટણી 2019 અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર મુખ્ય પેજ ઉપર હેડિંગ સાથે સ્ટોરી કરી છે. તેમાં તેમણે મોદીને “India’s Divider in Chief” એટલે ભારતના મુખ્ય ભાગલા પાડનાર કહ્યા છે. આર્ટિકલમાં નહેરુના સમાજવાદ અને ભારતની હાલની સ્થિતિની સરખામણી કરીને નિંદા કરવામાં આવી છે. આ અહેવાલ પ્રમાણે, મોદીની હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવાની કોઈ ઈચ્છા નથી. મોદીએ પાંચ વર્ષમાં ભારતના નહેરુ જેવા મહાન લોકો પર હંમેશા રાજકીય હુમલા જ કર્યા છે અને કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે. તે ઉપરાંત ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસ્લિમ વિરોધી ભાવના અને કટ્ટરતા વિકસતી હોવાની વાત કરી છે. ટાઈમ મેગેઝીનના આ લેખમાં 1984ના રમખાણો અને 2002ના રમખાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, મોદીએ 2014માં નોકરી અને વિકાસની વાતો કરી હતી પરંતુ હવે આ વિશ્વાસે ચૂંટણી લડવી મુશ્કેલ છે. મોદી દ્વારા આર્થિક ચમત્કારના વાયદા નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં તેમણે દેશમાં ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કર્યું છે.
આ એજ ટાઈમ મેગેઝીન છે કે જેણે 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને લઈને એક અહેવાલ રજૂ કર્યો હતો. ટાઈમ મેગેઝીનની એશિયા એડિશનમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો પ્રથમ વખત 2012માં આવ્યો હતો. આ સમયે મોદીની આભા ઊભી કરવાનો પ્રતિષ્ઠીત મેગેઝીને પ્રયાસ કર્યો હતો. ટાઈમના કવર પર જ મોદી મિન્સ બિઝનેસ, બટ કેન હી લીડ ઈન્ડિયા? ટાઈટલ છપાયું હતું. એટલે કે મોદીને એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરાયો હતો.
તો બીજી વાર મે 2015માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ટાઈમ મેગેઝીન દ્વારા તેમનો ઈન્ટરવ્યું લેવામાં આવ્યો હતો. તે સમયે કવર પેજ પર ‘WHY MODI MATTERS’ એવી ટેગલાઈન રાખવામાં આવી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન બન્યા પછી મોદીએ ઘણાં વિદેશ પ્રવાસ કરીને ભારતની એક વૈશ્વિક ઈમેજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં પણ મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે અને દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે પણ વાત કરી હતી.