Home Exclusive પાણી માટે રઝળપાટ : અમદાવાદના સોલા વિસ્તારની આ તસ્વીર વિકાસની વરવી વાસ્તવિક...

પાણી માટે રઝળપાટ : અમદાવાદના સોલા વિસ્તારની આ તસ્વીર વિકાસની વરવી વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે

Face Of Nation, Ahmedabad : વિકાસની બૂમરાણો મચાવતી સરકારને વાસ્તવિકતાનો ખ્યાલ રહેતો નથી. કેમ કે, વાસ્તવિકતા જાણવા માટે નેતાઓએ તેમની એસી ચેમ્બરો અને જાહોજલાલી છોડીને જનતાની વચ્ચે જવું પડે છે. જે આજના નેતાઓને ચૂંટણીના સમયગાળા સિવાય મંજુર નથી. સરકારી ખર્ચે તાગડધિન્ના કરનારા અધિકારીઓ અને નેતાઓ માટે તો કેનાલ કેટલી બનાવીને તેમાંથી કેટલી રકમનો ભ્રષ્ટાચાર કરવો તે જ મહત્વનું બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કેનાલો બન્યા પછી એમાં પાણી આવે છે કે કેમ તેની કોઈને પડી નથી. કારણ કે, નેતાઓ અને અધિકારીઓ કદાચ એમ માની રહ્યા છે કે, પ્રજાને હમેશા તકલીફમાં રાખો તો જ એ તમને યાદ કરશે બાકી બધી સુવિધાઓ પુરી પાડશો તો લોકોને આપડી જરૂરીયાત જ નહીં રહે. મોટા મોટા ભાષણો કરવા અને ખરા અર્થમાં પ્રજા માટે વિકાસના કામો કરવા બન્નેમાં આસમાન જમીન જેટલો તફાવત છે.
ઉનાળાની પહેલા પાણીની તંગી સર્જાશે જ નહીં તેવા નિવેદનો અને ભાષણો કરનારા નેતાઓ આજે ખરેખરમાં ઠેર ઠેર પાણીની તંગી ઉદભવી છે ત્યારે કાંઈ બોલી શકતા નથી. અમદાવાદ જેવા વિકાસશીલ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રજાને પાણી માટે રઝળપાટ કરવો પડે છે અથવા તો ટેન્કરોના સહારે બેસી રહેવું પડે છે. અમદાવાદના વિકાસશીલ ગણાતા સોલા વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં પ્રજાને ખરા તડકા હેઠળ પાણી ભરવા ઘરથી દૂર બોરના સહારે જવું પડે છે. ઘેર પાણી પહોંચતું નથી પરીણામે માથે તબેલુ અને હાથમાં ડોલ ભરીને પરસેવે રેબઝેબ થતી મહિલાઓ પાણી ભરવા રઝળપાટ કરે છે. દર વર્ષે પાણીની પાઇપોના નામે લાખ્ખો રૂપિયા વાપરી નાખે છે છતાં ઉનાળામાં પોલ ઉઘાડી પડી જાય છે. આખરે એવો દિવસ આવશે કે મહિલાઓને પાણી માટે આટલી રઝળપાટ નહીં કરવી પડે તે એક સપના સમાન છે. જો શહેરમાં આવી પરિસ્થિતિ હોય તો વિચારી શકો છો કે ગામડામાં કેવી દયનિય પરિસ્થિતિ હશે કે જ્યાંનું જીવન જ ખેતી ઉપર આધારીત છે. એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે, એવા ઘરોમાં શું ચૂલા પણ સળગતા હશે કે કેમ કે જે ખેડૂતો માટે પાણીના અભાવે ખેતી વ્યર્થ બની ગઈ હોય.

પાણી માટે રઝળપાટ : અમદાવાદના સોલા વિસ્તારની આ તસ્વીર વિકાસની વરવી વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે

પાણી માટે રઝળપાટ : અમદાવાદના સોલા વિસ્તારની આ તસ્વીર વિકાસની વરવી વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે